રાજકોટ
News of Friday, 4th October 2019

શાળા નં. ૯૩માં તેજસ્વી છાત્રા ઋતુને આચાર્યએ લીવીંગ સર્ટીફીકેટ આપતા વાલીનો રોષઃ રજૂઆત

રાજકોટ, તા. ૪ :. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની નાનામવા ગામમાં આવેલ વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં. ૯૩માં ધો. ૬ની તેજસ્વી વિદ્યાર્થીની બગડા ઋતુ મહેશભાઈને આચાર્યએ લીવીંગ સર્ટીફીકેટ આપી દેતા વાલી મહેશભાઈ બગડાએ શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરી પુનઃ પ્રવેશ આપવા માંગ કરી છે.

શ્રી મહેશભાઈ બગડાએ શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ ઠાકુરને રજૂઆત કરી છે કે, મારી પુત્રી બગડા ઋતુ મહેશભાઈ ધો. ૬ નાનામવા ગામમાં આવેલ શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં. ૯૩ નાનામવા-રાજકોટમાં અભ્યાસ કરે છે. સ્કૂલમાંથી મારી પુત્રીને સ્કૂલ દ્વારા આપવામાં આવેલ પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર સત્રાંત અને વાર્ષિક બન્ને પરીક્ષામાં ૭૫ ટકા કરતા વધુ ગુણ પ્રાપ્ત કરીને સ્કૂલમાંથી પ્રમાણપત્ર આપવામાં આવેલ. ઋતુના વાલી શિલ્પાબેન બગડા બપોરના સ્કૂલના છુટવાના સમયે તેડવા જતા સ્કૂલના આચાર્ય વનિતાબેન રાઠોડની ઓફિસમાં મારી પુત્રીને કામકાજ કરાવતા હોય જેથી આચાર્યશ્રીને જણાવેલ કે મારી પુત્રીની તબીયત સારી ન હોવાથી તેને કામ ન કરાવો, પરંતુ વાલી અને મારી પુત્રીને સ્કૂલની બહાર જતા રહો તેમ કહેલ અને અમો અનુસુચિત જાતિના હોય તેથી અમારી સાથે ખરાબ વર્તન કરેલ. મારી પુત્રી ઋતુને બીજા દિવસે સ્કૂલનુ લીવીંગ સર્ટીફીકેટ આપી દીધેલ.

શિક્ષણ સમિતિના અધ્યક્ષને વધુમાં રજુઆત કરતા વાલી મહેશભાઈ બગડાએ જણાવેલ કે, આચાર્યશ્રી દ્વારા હિટલરશાહી વલણ દાખવી સર્ટીફીકેટ આપી દીધેલ છે.  સ્કૂલ ઉપર કાયદેસરના પગલા લઈ ન્યાય અપાવવા માંગ કરી છે. બે દિવસની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહિ તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના ઘરઆંગણે મારો પરિવાર તથા સમાજના આગેવાનો સાથે ધરણા પર બેસશું. આચાર્ય સામે તાત્કાલીક પગલા ભરવા અને મારી પુત્રીને તે સ્કૂલમાં પરત એડમીશન આપવા માંગણી છે.

(4:09 pm IST)