રાજકોટ
News of Friday, 4th October 2019

દૂધ સાગર રોડ પર બંગડીના ધંધાર્થીના ઘરમાં થયેલી ૩ લાખની ચોરીનો ભેદ ખુલ્યોઃ બે ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે જામનગરના રીઢા ગુનેગાર હુશેન સંધી અને સાગ્રીત ઇબ્રાહીમ અંસારીને જામનગર રોડ એરપોર્ટ દિવાલ પાસેથી પકડી લીધાઃ બાઇક-રોકડ કબ્જેઃ હુશેન અગાઉ દસેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે : હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૪: દૂધ સાગર રોડ પર છ દિવસ પહેલા બંગડીના ધંધાર્થી બ્રહ્મક્ષત્રિય યુવાન ખુશાલ પ્રફુલભાઇ સેતાના ગુ.હા. બોર્ડ સિંગલીયા કવાર્ટર બ્લોક નં. એમઆઇજી-૪૬/૮૭૪ના તાળા તોડી તસ્કરો રૂ. ૩ લાખની રોકડ ચોરી ગયા હતાં. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી બે શખ્સ ઇબ્રાહીમ હુશેનભાઇ ગરાણા (અંસારી) (ઉ.૨૧) તથા હુશેન અલીભાઇ જોખીયા (ઉ.૨૮)  (રહે. બંને ધરારનગર-૧, સલિમ બાપુના મદ્રેશા પાસે બેડેશ્વર રોડ જામનગર)ને ઝડપી લઇ રૂ. ૨૨૯૦૦ રોકડા તથા બજાજ  ડોમીનોર બાઇક રૂ. ૧,૭૫,૦૦૦નું કબ્જે કર્યુ છે. આ બંને રીઢા ગુનેગાર છે.

થોરાળા પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયા પછી ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસમાં લાગી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ તાકીદે ગુનો ડિટેકટ કરવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં ટીમ કામે લાગી હતી. દરમિયાન હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી જામનગર રોડ એરપોર્ટની દિવાલ પાસેથી બંને તસ્કરને ઝડપી લેવાયા હતાં.

ઝડપાયેલા બંને પૈકીનો હુશેન રીઢા ગુનેગાર છે.  તે જામનગરમાં પાંચેક ચોરીના ગુના તથા દારૂના ગુનામાં અને પોરબંદરમાં બે ઘરફોડીના ગુનામાં તેમજ રાજકોટમાં પણ ઘરફોડીના ગુનામાં પકડાઇ ચુકયો છે. બંનેની વિશેષ તપાસ થઇ રહી છે. ચોરી કરેલા ત્રણ લાખમાંથી ૨૨૯૦૦ કબ્જે થયા છે. બાકીની રકમ બંનેએ જૂગાર અને મોજશોખમાં વાપરી નાંખ્યાનું રટણ કર્યુ છે. વિશેષ પુછતાછ થઇ રહી છે. પી.એસ.આઇ.  પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ, ફિરોઝભાઇ, યોગેન્દ્રસિંહ જાડેજા, અમિત અગ્રાવત, સોકતખાન ખોરમ, યોગીરાજસિંહ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:40 pm IST)