રાજકોટ
News of Friday, 4th October 2019

પત્નિ ઝઘડો કરી માવતરે જતી રહેતાં મુકેશ ભીલનો ટ્રેન હેઠળ કપાઇ આપઘાત

હાલ પડધરીના મોટા રામપર રહેતાં મુળ એમપીના યુવાને વહેલી સવારે ખંઢેરી રામપર પડતું મુકયું

રાજકોટ તા. ૪: પડધરીના મોટા રામપરમાં જયેશભાઇની વાડીમાં રહેતાં મુકેશ પ્રતાપભાઇ બગેલ (ઉ.૩૦) નામના આદિવાસી યુવાને વહેલી સવારે ખંઢેરી મોટા રામપર વચ્ચે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

એક યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતાં મૃતદેહ ટ્રેન મારફત રાજકોટ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. પડધરી પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. ફિરોઝભાઇ બ્લોચ તપાસાર્થે દોડી આવ્યા હતાં. દરમિયાન મોટા રામપર ગામે જયેશભાઇની વાડીમાં મજૂરો પોતાનો સ્વજન મુકેશ બગેલ ગઇકાલ સાંજથી વાડીએથી નીકળી ગયા બાદ ગૂમ થયો હોઇ તેને શોધવા નીકળ્યા હતાં. એક યુવાન કપાયો હોવાની ખબર પડતાં રાજકોટ આવી તપાસ કરતાં આ યુવાન મુકેશ જ હોવાનું ખુલતાં શોક છવાઇ ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મુકેશની પત્નિ સપના ગઇકાલે બપોરે ઝઘડો થતાં મોરબી માવતર પાસે જતી રહી હતી. આથી માઠુ લાગતાં મુકેશ પણ સાંજે ઘરેથી નીકળી ગયો હતો અને આજે વહેલી સવારે ટ્રેન હેઠળ પડતું મુકયું હતું. બનાવથી ત્રણ માસનો પુત્ર પિતા વિહોણો થયો છે.

(3:40 pm IST)