રાજકોટ
News of Friday, 4th October 2019

સગીર બાળકનો કબ્જો મેળવવા માતા દ્વારા થયેલ સર્ચવોરંટની અરજી રદ

રાજકોટ તા.૪: સગીર બાળકનો સર્ચ વોરન્ટ દ્વારા માતાએ કરેલ અરજી રાજકોટની કોર્ટે રદ કરી.

આ કેસની હકીકત ટુંકમાં એ મુજબ છે કે નાકારાવાડી ગામે રહેતા રૂપાબેન ભરતભાઇ ભાખોડીયા એ તેના પતિ વિરૂધ્ધ સર્ચ વોરન્ટ દ્વારા સગીર બાળક શીવમ ઉ.વ.૪નો કબ્જો માંગતી અરજી દાખલ કરેલ હતી. તેની અરજીમાં તેણે જણાવેલ હતું કે તેના પતિ સાથે ૧૦ વર્ષ પહેલા લગ્ન થયા હતાં અને લગ્ન જીવન થી બે સંતાનો થયા હતા તેમજ લગ્ન બાદ તેના કુટુંબીજનો દ્વારા દુઃખ, ત્રાસ આપતા હતા અને તા.૩૧-૭-૨૦૧૯ના રોજ તેને મારકુટ કરી સગીર પુત્ર છીનવી તેને કાઢી મુકેલ હતી. અને સગીર પુત્રને હાલ સારી રીતે રાખતા નથી અને તેની માતા પાસે આવવા દેતા નથી. તેમજ તેને ભણાવતા નથી એ મતલબની અરજી શ્રી વાઘ સાહેબની કોર્ટમાં દાખલ કરેલ હતી અને કોર્ટે તેના પતિને નોટીસ કરી કોર્ટમાં હાજર થવાનુ જણાવતા સામાવાળા તેના વકિલ મારફત રજુ થયા હતા અને તેના વકિલ દ્વારા દલીલ કરી તેમજ હાઇકોર્ટના તથા સુપ્રિમ કોર્ટના જુદા જુદા જજમેન્ટો મુકેલા હતા. નામદાર કોર્ટે તેના ઓર્ડર માં એવુ જણાવેલ હતું કે બાળકનો કબ્જો પિતા પાસે હોય તેને ગેરકાયદેસર કે ગોધી રાખેલ ન ગણાય એમ માની અરજદારની અરજી રદ કરેલ હતી.

ઉપરોકત કેસમાં પતિ વતી રાજકોટના એડવોકેટ યોગેશ ઉદાણી, કિશન વાગડીયા, અશોક જાદવ અને રામકુભાઇ બોરીચા રોકાયેલા હતા.

(3:39 pm IST)