રાજકોટ
News of Friday, 4th October 2019

સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ જે.એસ. રાચ્છના ધર્મપત્નિ દિપાલીબેનનું વાહન અકસ્માતમાં મોત

કાલાવડ રોડ આર. કે. નગરમાં રહેતાં અધિકારી જયેશભાઇ રાચ્છ ૧૦મીએ ધર્મપત્નિને નવેનવા એકસેસમાં બેસાડી સાંગણવા ચોકથી ખરીદી કરી ઘર તરફ જવા પરત આવતા'તા ત્યારે યાજ્ઞિક રોડ પર પાછળથી એકટીવા ચાલકે ટક્કર મારતાં બંને ફંગોળાઇ ગયા હતાં : જયશ્રીબેને ૨૪ દિવસની સારવારને અંતે દમ તોડતાં પરિવારમાં કલ્પાંતઃ જુનાગઢના સવજીયાણી પરિવારના દિકરી હતાં: સંતાનમાં એક દિકરી, સીએનો અભ્યાસ કરે છે

રાજકોટ તા. ૪: શહેરના કાલાવડ રોડ પર આર. કે. નગરમાં રહેતાં સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જે. એસ. રાચ્છ (લોહાણા)ના ધર્મપત્નિનું વાહન અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ચોવીસ દિવસ પહેલા શ્રી રાચ્છ તેમના ધર્મપત્નિને ટુવ્હીલરમાં બેસાડી માલવીયા ચોકથી યાજ્ઞિક રોડ પર સ્વામિવિવેકાનંદની પ્રતિમા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એકટીવા ચાલકે અકસ્માત સર્જતા પતિ-પત્નિ બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં પત્નિનું સારવાર દરમિયાન ગત રાત્રીના મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ચક્ષુનું દાન કરી સ્વજનોએ સ્તુત્ય પગલુ ભર્યુ છે.

બનાવ અંગે જે તે દિવસે એ-ડિવીઝન પોલીસે દિપાલીબેનના પતિ કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામે આર. કે. નગર-૪માં 'દ્વારકાધીશ' ખાતે રહેતાં અને સેન્ટ્રલ જીએસટી વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં શ્રી જયેશભાઇ શાંતિલાલ રાચ્છ (ઉ.૫૧)ની ફરિયાદ પરથી  એકટીવા નં. જીજે૦૩એચસી-૪૯૯૯ના ચાલક અજય ડાભી સામે ગુનો નોંધ્યો હતો અને અને તેની ધરપકડ કરી હતી. તે રાજકુમાર કોલેજ સામે પીડબલ્યુડી કવાર્ટર પાસે રહે છે. અકસ્માતના આ બનાવમાં પોલીસે હવે કલમ ૩૦૪ (અ)નો ઉમેરો કર્યો છે.

જયેશભાઇ રાચ્છ તા. ૧૦ના સાંજે સાતેક વાગ્યે ધર્મપત્નિ દિપાલીબેનને નવા એકસેસ કે જેના નંબર હજુ આવ્યા નથી તેમાં બેસાડીને સાંગણવા ચોક ખાતે ખરીદી કરવા ગયા હતાં. ત્યાંથી પરત ઘર તરફ જતાં હતાં ત્યારે માલવીયા ચોકથી આગળ યાજ્ઞિક રોડ પર પહોંચતા એકટીવા નં. જીજે૦૩એચસી-૪૯૯૯નો ચાલક બંબાટ સ્પીડથી આવ્યો હતો અને પાછળથી જયેશભાઇના વાહનને ઓવરટેઇક કરતાં તેમના વાહનના અરીસામાં એકટીવા અથડાતાં જયેશભાઇ અને તેમના ધર્મપત્નિ બંને ફંગોળાઇ ગયા હતાં.

અકસ્માત સર્જનાર એકટીવાનો ચાલક પણ ઉભો રહી ગયો હતો. એ પછી એ ચાલકે એકટીવાના માલિકને ફોન કરતાં તે પણ આવી ગયા હતાં. તેનું નામ અતુલભાઇ પારેખ હતું. ચાલકનું નામ અજય ડાભી હોવાનું અતુલભાઇએ કહ્યું હતું. અકસ્માતમાં જયેશભાઇના ધર્મપત્નિને ગરદન પાસે કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઇ હતી.૧૦૮ બોલાવી વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. નિદાન થતાં કરોડરજ્જુમાં ફ્રેકચર આવ્યું હતું. ચોવીસ દિવસની સારવારને અંતે રાત્રીના દિપાલીબેને દમ તોડી દેતાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમને સંતાનમાં એક પુત્રી કિમરીબેન છે, જે સીએનો અભ્યાસ કરે છે. તેમના માવતર જુનાગઢ રહે છે અને પિતાનું નામ ઇન્દ્રવદનભાઇ મોહનભાઇ સવજીયાણી છે.

એ-ડિવીઝનના રવિભાઇ વાઘેલા અને સાજીદભાઇએ જરૂરી કાર્યવાહી કરી એકટીવા ચાલકની ધરપકડ કરી હતી. દિપાલીબેનની અંતિમયાત્રા આર. કે. નગરથી મોટા મવા સ્મશાને જવા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતાં.

(3:25 pm IST)