રાજકોટ
News of Friday, 4th October 2019

પક્ષકારો અને વકીલોમાં દેકારો

ઇ-સ્ટેમ્પીંગમાં લાંબુ વેઇટીંગઃ આજે ફોર્મ આપો તો ૩ દિ' પછી મળે!

મિલ્કતોના દસ્તાવેજોની કામગીરી ખોરંભેઃ જે બેંકોમાં ફ્રેન્કીંગની સુવિધા છે ત્યાં પણ બેલેન્સ ખાલી થઇ જતા લોકોને હેરાનગતિઃ પ્રજામાં ભારે રોષ

રાજકોટ, તા., ૩: સમગ્ર ગુજરાત રાજયમાં ૧-૧૦-ર૦૧૯થી ફીજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ થયા બાદ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં લાંબા વેઇટીંગથી પક્ષકારો અને વકીલોમાં દેકારો બોલી ગયો છે. આજે ઇ-સ્ટેમ્પીંગનું  ફોર્મ આપો તો ૩ દિ' પછી મળે તેવી સ્થિતી સર્જાઇ છે.

ગુજરાત સરકારે ફિજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ કર્યા બાદ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો  પર પક્ષકારો અને  ઇ-સ્ટેમ્પીંગ પેપર મેળવવા માટે લાંબું વેઇટીંગ લીસ્ટ જોવા મળી રહયું છે. જે તે પક્ષકારો કે વકીલો  ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરો ઉપર  ઇ-સ્ટેમ્પીંગ કરાવવા માટે  જાય છે તો ફોર્મ આજે મુકી જાવ ૩ દિવસ પછી ઇ-સ્ટેમ્પીંગ થશે તેવા જવાબો મળી રહયા છે. 

શુકનવંતા નવરાત્રીના દિવસોમાં મિલ્કત ખરીદીના મોટા પાયે દસ્તાવેજો થતા હોય છે તેમજ અન્ય નાના મોટા કામ કરવા માટે  પણ અનેક લોકો માટે ઇ-સ્ટેમ્પીંગ લેવા માટે ભારે દોડધામ કરતા નજરે પડયા હતા. ખુદ વકીલોને પણ લાઇનમાં ઉભુ રહેવું પડેતેવી સ્થિતિ સર્જાઇ છેે.

ફીજીકલ સ્ટેમ્પમાં જે તે અરજદારો કે વકીલોને ડાયરેકટ બેથી ત્રણ મીનીટમાં સ્ટેમ્પ મળી જતા હતા જયારે ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં દરેક પક્ષકારો કે વકીલોને કલાકોના કલાકો સુધી રાહ જોવી પડે છે. હજારો કે લાખોના સ્ટેમ્પ માટે પણ પક્ષકારોને હેરાનગતી ભોગવવી પડે છે.

પક્ષકારો અને વકીલોમાં એવી ચર્ચા થતી હતી કે  અન્ય રાજયોમાં ફીજીકલ સ્ટેમ્પની પ્રથા ચાલુ છે ત્યારે ગુજરાતમાં જ પ્રતિબંધ કેમ? ગુજરાત મોડલના નામે સામાન્ય પ્રજા પર તઘલખી નિર્ણયો ઠોકી બેસાડી પ્રજાને હેરાનગતી કરાય છે.

સરકાર સામાન્ય લોકોને સુવિધા સરળતાથી મળે તે જોવું જોઇએ પરંતુ રાજય સરકારે ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતી અમલમાં  લાવતા મજુરથી માંડી ઉદ્યોગપતિઓને  લાઇનમાં  ઉભા રાખી દીધા છે. એટલુ જ નહિ ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં નાના માણસો કે મજુરોને ફોર્મ ભરતા આવડતુ ન હોય તેઓને બીજા પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

બીજી બાજુ સ્ટેમ્પ વેન્ડરોને ડીસેમ્બર સુધી જે સ્ટેમ્પોનો સ્ટોક હતો તેનું વેચાણ કરવાની છટ અપાઇ હતી. પરંતુ સ્ટેમ્પ વેન્ડરોએ પાસે સ્ટેમ્પનો સ્ટોક જ ન હોય પક્ષકારો અને વકીલોને ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગનો ઉપયોગ કરવો પડે છે. તેમજ અન્ય બેંકોમાં ફેન્કીંગની સુવિધા છે. ત્યાં પણ બેલેન્સ ખાલી થઇ જતા વકીલો અને પક્ષકારોને ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં જવુ પડે છે. અને ત્યાં લાંબુ વેઇટીંગ લીસ્ટ જોઇ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરોમાં લાંબ વેઇટીંગથી અનેક મિલ્કતોનના દસ્તાવેજ નોંધણીની કામગીરી ખોરંભે પડી છે. બીજી બાજુ નાના માણસોને પણ સામાન્ય કામ માટેના સોગંદનામા માટે ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં કતારમાં ઉભા રહેવું પડે છે. સરકારના આ નિર્ણય સામે પ્રજામાં ભારે રોષ પ્રવર્તી રહયો છે.

(4:01 pm IST)