રાજકોટ
News of Friday, 4th September 2020

સુખસાગર સોસાયટીમાં ચારીત્ર્ય પર શંકા કરી ચંદાબેન વીછીને પતિ - સાસરિયાનો ત્રાસ

પતિ ચંદ્રકાંત, સાસુ મંજુલાબેન, જેઠ જગદીશભાઇ, બીપીનભાઇ, જેઠાણી હીનાબેન સામે ગુનો

રાજકોટ તા. ૪ : શહેરના મોરબી રોડ પર સુખસાગર સોસાયટીમાં રહેતી મહિલાને નાની-નાની બાબતે મારકુટ કરી ચારીત્ર્ય પર શંકા કરી પતિ, સાસુ, જેઠ, જેઠાણી શારીરિક - માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર સુખસાગર સોસાયટી શેરી નં. ૧ હાલ તીરૂપતિનગર સોસાયટી બગસરામાં રહેતા ચંદાબેન ચંદ્રકાંતભાઇ વીછી (ઉ.વ.૪૮) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મોરબી રોડ સુખસાગર સોસાયટી શેરી નં. ૧માં રહેતા પતિ ચંદ્રકાંત મોહનભાઇ વીછી, ટંકારામાં રહેતા સાસુ મંજુલાબેન મોહનભાઇ વીછી, જેઠ જગદીશભાઇ મોહનભાઇ વીછી, જેઠાણી હીનાબેન વીછી, જેઠ બીપીનભાઇ વીછીના નામ આપ્યા છે. ચંદાબેન વીછીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે બગસરા માવતરના ઘરે છેલ્લા બે માસથી રહે છે. પોતાના ૨૦૦૨માં લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં બે દીકરી અને એક દિકરો છે. લગ્ન બાદ પોતે દસેક દિવસ ટંકારા રહેલ. બાદ પોતે પતિ સાથે રાજકોટમાં ભાડે રહેવા આવ્યા હતા. પતિ ઇમીટેશનનું કામ કરે છે. દસેક દિવસમાં પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી મારકુટ કરતા હતા. પોતે આ બાબતે સાસુ, મોટા જેઠને વાત કરતા તેઓ પતિનો સાથ આપતા અને પોતાનો વાંક કાઢતા હતા અને પતિ અવાર-નવાર પોતાના ચારીત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતા હતા. પોતાને ઘરસંસાર ચલાવવું હોઇ તેથી મુંગા મોઢે સહન કરતા હતા. પોતે જ્યારે ટંકારા જતા ત્યારે સાસુ અને જેઠાણી કામ બાબતે હેરાન કરતા અને કામવાળીની જેમ રાખતા હતા. પતિ સતત શંકા કરતો હોઇ આ બાબતે સાસુ અને બંને જેઠ - જેઠાણીને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ આ લોકો પતિનો સાથ આપતા હતા. હવે પોતાની બંને દિકરીઓ મોટી થઇ ગયેલ હોઇ તો પતિ તેના પર પણ શંકા કરે છે. આ બાબતે પોતાને પતિ સાથે ઝઘડા થતાં હતા. બાદ ગત તા. ૨૨-૬ના રોજ પતિએ પોતાના ભાઇને બોલાવી 'તારી બહેનને લઇ જા નહીતર હું તેને મારી નાખીશ' તેમ કહીને પોતાને ત્રણેય સંતાનો સાથે ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકયા હતા. આ મામલે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ એ.કે.સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(2:54 pm IST)