રાજકોટ
News of Monday, 4th July 2022

મહાનગરપાલીકાની જમીન ઉપર દબાણ છતા લેન્‍ડ ગ્રેબીંગ કાનુનતળે પગલા કેમ નહીં? : આમ આદમી પાર્ટીનો આક્ષેપ

ખાનગી શાળા સંચાલકોએ દબાણ કર્યા અંગેની ફરીયાદ ડ્રોપ : રાજભા ઝાલા- સંજય પંડીત

રાજકોટ તા. ૪ : લેન્‍ડ ગ્રેબિંગમાં બેધારી નીતિ ચલાવાતી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના વરિષ્‍ઠ નેતા રાજભા ઝાલા અને લીગલ વીંગના સ્‍ટેટ વાઇસ પ્રેસીડેન્‍ટ સંજય પંડીતે કરેલ છે.તેઓએ અવાજ ઉઠાવતા જણાવ્‍યુ છે કે કોર્પોરેશનની જમીન ઉપર થયેલ દબાણ થયા અંગે કલેકટરને લેન્‍ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ આપી હોવા છતા કોઇ પગલા લેવામાં આવ્‍યા નથી. રેલનગર ખાતે સોશ્‍યલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના ખુલ્લા પ્‍લોટમાં રેલનગર સોસાયટીના પ્રમુખ અને ભાજપની નજીક ગણાતા કિશોરસિંહ મંગલસિંહ સોઢા તથા સંસ્‍કારધામ સ્‍કુલના સંચાલકોએ ગેરકાયદેસર દબાણ કરેલ અને ખુલ્લા પ્‍લોટમાં ગેટ ઉભો કરી સ્‍કુલની આવક જાવક ત્‍યાંથી ચાલુ કરાવી દીધેલ. સમગ્ર પ્‍લોટ ઉપર તેઓએ ગેરકાયદેસર દબાણ કરેલ છે.

આ અંગેની ફરીયાદ કલેકટરે ડ્રોપ કરી દીધી. આજની તારીખે પણ આ ખુલ્લા પ્‍લોટ ઉપર દબાણ યથાવત છે. છતા શા માટે આંખ મિચામણા કરવામાં આવે છે? શું લેન્‍ડ ગ્રેબીંગમાં સગવડીયો ધર્મ ચલાવવામાં આવે છે? કે પછી પૂર્વ મુખ્‍યમંત્રીના ભત્રીજા તેમા ભાગીદાર છે એટલે શરમ રાખવામાં આવે છે. તેવા સવાલો અને આક્ષેપો રાજભા ઝાલા અને સંજય પંડીતે એક સંયુકત યાદીમાં કરેલ છે. 

(4:00 pm IST)