રાજકોટ
News of Saturday, 4th July 2020

રાજકોટમાં પીજીવીસીએલનો ભગોઃ ૨ રૂમના ફલેટનું બિલ અધધ રૂ.૯ લાખ મોકલતા દંપતિ હેબતાઇ ગયુ

અમદાવાદઃ રાજકોટમાં PGVCLએ બે રૂમનાં ફ્લેટનું અધધ રૂ. 9 લાખનું લાઈટ બીલ મોકલતા દંપતિ હેબતાઈ ગયું હતું. PGVCLએ લોકોને તગડી રકમનાં બિલ મોકલ્યાની અનેક ફરિયાદો ઉઠી છે ત્યાં આ નવો ભાંડો ફૂટતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ અમદાવાદ શહેરમાં ટોરેન્ટ દ્વારા તગડી રકમનાં બિલ મોકલવામાં આવ્યાની લોકોમાં ફરિયાદો ઉઠી છે. રાજકોટનાં શ્રોફ રોડ ખાતે નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા વાઘેલા સંધ્યાબહેન અને તેમનાં પતિ ચંદુભાઈ બે રૂમનાં ફ્લેટમાં રહે છે.

રાજકોટ PGVCLએ આ દંપતિને મે અને જૂન માસનું રૂ. 9.39 લાખનું લાઈટ બિલ મોકલ્યું હતું. આ બિલ જોઈને સામાન્ય વેપારી ચંદુભાઈ અને તેમનાં પત્ની આંચકો ખાઈ ગયા હતાં. ચંદુભાઈનાં પત્ની સંધ્યાબહેનનાં નામે ફ્લેટ છે. જેનું માર્ચ અને એપ્રિલ માસનું બિલ રૂ. 2274 આવ્યું હતું. આ વિસ્તારમાં સ્થાનિકોએ પણ ફરિયાદ કરી છે કે લોકોને ઊંચી રકમનાં બિલ મળ્યાં છે. સરકારનાં વહીવટીતંત્રની આ પ્રકારની ઉઘાડી લૂંટ હોવાનો મત વ્યક્ત કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબી પાસે પણ એક મકાનનું લાઇટ બિલ 48 હજાર આવ્યું હતું

આ મામલે આવનાર દિવસોમાં લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. રાજકોટ મોરબી પાસે ભાવેશ વાઘેલાએ રાખેલા મકાનનું લાઈટ બિલ સામાન્ય દિવસોમાં એવરેજ 2 થી 3 હજાર આવતું હતું. તેમનું બિલ પણ 48 હજાર મોકલવામાં આવ્યું છે.

ચંદુભાઈના ભાઈ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, રાજકોટમાં PGVCL દ્વારા લોકોને તગડી રકમના લાઈટ બિલ મોકલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. બે રૂમના ફ્લેટનું બિલ 9.39 લાખ કેવી રીતે થઈ શકે. આ બાબતે ધ્યાન દોરતા અધિકારીઓએ અમારી ભૂલ છે તેમ કહીને રૂ 7 હજારનું બિલ પકડાવ્યું છે. આ બિલ પણ દર વખતે આવતા બિલ કરતા પણ તગડી રકમનું છે.

રાજકોટ PGVCL ઉપરાંત અમદાવાદમાં લોકોનો ટોરેન્ટ પાવર પર રોષ વધી રહ્યો છે. સ્થાનિકોની ફરીયાદ ઉઠી છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં લોકો આર્થિક રીતે પાયમાલ છે.ટૉરેંટ પાવર લોકોને તગડી રકમના બિલ મોકલીને ઉઘાડી લૂંટ ચલાવે છે. રાજ્ય સરકારે આ બાબતે કોઈ કાર્યવાહી કરી લોકોને રાહત મળે તેવી નિતિ અપનાવવી જોઈએ.

(4:51 pm IST)