રાજકોટ
News of Thursday, 4th June 2020

કારોબારીમાં અધ્યક્ષે અધિકારીઓને ચીમકી આપીઃ સભ્યોએ તંત્રના વખાણ કર્યા

સીકયુરીટીના ૧૮ લાખના ટેન્ડર સહિતના કામો અધ્યક્ષ સ્થાનેથી મંજુર

રાજકોટ જિલ્લા પંચાયતમાં અધ્યક્ષ કે. પી. પાદરિયાની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવસિયા અને અન્ય અધિકારીઓ - સભ્યો હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર. બેઠક ખંડમાં તમામને થર્મલ સ્કેનીંગ કરી પ્રવેશ અપાયો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૪: જિલ્લા પંચાયતમાંૈ આજે મળેલ કારોબારી બેઠકમાં અધ્યક્ષ કે.પી. પાદરીયાએ આરોગ્ય સહિતના અધિકારીઓને કામગીરીના મુદ્દે આકરી ચીમકી આપેલ તેની સામે સમિતિના સભ્ય ચંદુભાઇ શીંગાળાએ કોરોનાની કામગીરીમાં આરોગ્ય તંત્રના વખાણ કરેલ  અધિકારીઓએ તેમનો આભાર માન્ય હતો. આ મુદ્દા પર સમિતિમાં સંકલનનો અભાવ દેખાઇ આવ્યો હતો.

આજે મળેલ કારોબારી બેઠકમાં અધ્યક્ષ શ્રી પાદરીયાએ નિયત સમય મર્યાદા પુરી થવા પછી ૮ મહિના શા માટે ટેન્ડર પ્રક્રિયા ન થઇ ? મકવાણા અટક વાળા કર્મચારીની બદલી શા માટે કરવામાં આવી વગેરે સવાલો આરોગ્ય અધિકારી સમક્ષ ઉઠાવ્યા હતા. ડો. મીતેષ ભંડેરીએ ડી.ડી.ઓ.ની મંજુરીથી બદલી થયાનું તેમજ સદરહું ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જણાવેલ તે વખતે ચેરમેને જણાવેલ કે જે કારોબારીના કાર્યક્ષેત્રમાં આવે છે તેવી વહીવટી બાબતોમાં કોઇ અધિકારીઓ સમિતિને અંધારામાં રાખીને કંઇ કરવા કોઇ પ્રયાસ કરવો નહીં. તમામ વિભાગોમાં મારી ચાંપતી નજર હોય છે.

ડી.ડી.ઓ.એ બધી કામગીરી નિયમ મુજબ થતા હોવાનો બચાવ કર્યો હતો. આ તકે ચંદુભાઇ શીંગાળાએ જણાવેલ કે રાજકોટ જિલ્લામા આરોગ્ય તંત્રએ કોરોનાની શ્રેષ્ઠ કામગીરી કરી છે. તેમને ભૂલ કાઢવાને બદલે બિરદાવા જોઇએ.

કારોબારીમાં પંચાયતની સીકયુરીટીના ૧૮.૭૮ લાખનો બાર સીકયુરીટી જવાનો માટેના કોન્ટ્રાકટરને મંજુરી આપવામાં આવેલ. પ્રમુખ સ્થાનેથી અન્ય પાંચ ઠરાવો થયા હતાં.

(4:04 pm IST)