રાજકોટ
News of Thursday, 4th June 2020

૩૯ મોબાઇલની ચોરીમાં માસ્ટર માઇન્ડ લક્ષ્મી ફોન તફડાવી તુર્ત ફલાઇટ મોડ કરી નાંખતી કાં પીનથી સિમકાર્ડ કાઢી લેતી

મુળ બાબરાની આ મહિલા ગોંડલના હિસ્ટ્રીશીટર પરેશ ઉર્ફ પરીયા સાથે પાંચ વર્ષથી બીજા લગ્ન કરી રહે છેઃ બંને નશાની ટેવ સંતોષવા ચોરીઓના રવાડે ચડ્યાઃ ધમો રિક્ષાવાળો ૨૦૦-૫૦૦ની લાલચે સાથે જોડાતો : ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ એ. વાળાની ટીમને પીએસઆઇ આર. એસ. પટેલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર અને દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી પરથી સફળતા

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામ પોલીસે ૩૯ મોબાઇલ ફોનની તફંડચીનો ભેદ ઉકેલી ગોંડલના રીઢા ગુનેગાર પરેશ ઉર્ફ પરીયો રાજુભાઇ ગોસ્વામી (ઉ.૨૬), તેની પત્નિ તરીકે સાથે રહેતી મુળ બાબરાની લક્ષ્મી ભરત મકવાણા (ઉ.૩૬) તથા રિક્ષાચાલક   ગોંડલ વિજયનગરના ધર્મેન્દ્ર મારૂતિભાઇ મુકનાથ (ઉ.૩૨)ને પકડી લઇ બે લાખના મોબાઇલ ફોન અને રિક્ષા મળી રૂ. ૨,૫૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નશો કરવાની ટેવ પોષવા લક્ષ્મી અને પરેશ આ રવાડે ચડ્યાનું બહાર આવ્યું છે. ગિર્દીમાં ઘુસી જઇ લક્ષ્મી થેલી કે રૂમાલ આડો રાખી પળવારમાં ગમે તેના ખિસ્સામાંથી મોબાઇલ તફડાવી લેવામાં માહેર છે. તફડંચી બાદ તુર્ત જ સેફટી પિનથી કાં તો મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢી નાંખતી, કાં તો ફલાઇટ મોડ કરી નાંખતી હતી અને થોડે દૂર રિક્ષામાં બેઠેલા પરેશ તથા ધમા પાસે પહોંચી ત્યાંથી રવાના થઇ જતી હતી.

આ ત્રિપુટી પાસેથી પોલીસે સેમસંગ, એમઆઇ, રેડમી, ઓપ્પો, વીવો, નોકીયા, ટેકનો, મોટોરોલા, લેનોવો, રિયલ મી સહિતની કંપનીના ૩૯ ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. તેમજ જીજે૦૭વીડબલ્યુ-૧૧૭૨ નંબરની રિક્ષા કબ્જે કરી છે. પીએસઆઇ આર. એસ. પટેલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર અને દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી પરથી આ ત્રણેયને પકડી લેવાયા હતાં. રાજકોટ શહેરમાંથી જ લોકડાઉન પહેલા અને લોકડાઉન ખુલ્યા પછી ભીડભાડવાળી જગ્યાઓએ પહોંચી આ ફોન તફડાવ્યા હતાં. પરંતુ લોકડાઉનને કારણે વેંચી શકયા નહોતાં. લક્ષ્મીએ પ્રથમ પતિ સાથે છુટાછેડા લઇ પરેશ ઉર્ફ પરીયા સાથે ઘર કર્યુ છે અને તેના થકી એક દિકરીની માતા બની છે. પરેશની પ્રથમ પત્નિ અને સંતાનો અલગ રહે છે.

પરેશ ઉર્ફ પરીયો અગાઉ જુનાગઢ, ગોંડલ, રાજકોટ સહિતમાં ચોરી, દારૂ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. જેમાં જુનાગઢની પાંચ લાખની ઘરફોડી અને રાજકોટ દાણાપીઠની મોટી ચોરી પણ સામેલ છે. પરેશ અને લક્ષ્મી બંને દારૂ પીવાની ટેવ ધરાવે છે. દારૂ માટે પૈસા ખુટે એટલે ધર્મેન્દ્ર મુકનાથની રિક્ષામાં બંને નીકળી પડતાં હતાં. ગિરદી હોય ત્યાંથી થોડે દૂર પરેશ અને ધમો રિક્ષામાં બેસી રહેતા અને લક્ષ્મી થેલી કે રૂમાલ લઇ ગિરદીમાં ઘુસી જતી હતી. શર્ટના ઉપલા ખિસ્સામાં કે પેન્ટના પાછળના ખિસ્સામાંથી તે રૂમાલ કે થેલીની આડમાં પળવારમાં મોબાઇલ ચોરી લેતી હતી.

જો પેટર્ન લોક હોય તો ફોનમાં પીન ભરાવી સિમકાર્ડ કાઢી લેતી અને લોક ન હોય તો ફલાઇટ મોડ કરી નાંખતી હતી. જેથી જેનો ફોન ચોરાયો હોય તેને ખબર પડે અને કોઇ બીજાના ફોનમાંથી પોતાના નંબર ડાયલ કરે તો ફોન બંધ બતાવે. એટલી વારમાં તે આગળ ઉભેલી રિક્ષા સુધી પહોંચી નીકળી જતી હતી. જે ૩૯ ફોન પોલીસે જપ્ત કર્યા તેમાંથી મોટા ભાગના લોકડાઉન ખુલ્યા પછી બઠ્ઠાવ્યા હતાં. પણ વેંચે એ પહેલા પોલીસે ત્રણેયને પકડી લીધા હતાં. ધમાને ૨૦૦-૫૦૦ રૂપિયા પરીયો વાપરવા આપી દેતો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયારાની સુચના મુજબ ગાંધીગ્રામ પી.આઇ. કે. એ. વાળા અને ટીમના પીએસઆઇ આર. એસ. પટેલ, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર, ગોપાલભાઇ પાટીલ, હિતેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઇ વહાણીયા, બ્રિજરાજસિંહ ઝાલા અને ભુમિબેન સોલંકીએ આ કામગીરી કરી હતી.

(1:04 pm IST)