રાજકોટ
News of Tuesday, 4th June 2019

ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને થયેલ એક વર્ષની સજાના હુકમને સેસન્સ કોર્ટની બહાલીઃ સરન્ડર થવા હુકમ

રાજકોટ તા. ૪ : મહિલા આરોપીને ચેક રિટર્નના કેસમાં થયેલ સજાના હુકમને કાયમ રાખતી સેસન્સ કોર્ટ ચુકાદો આપી રાજકોટના હર્ષાબેન પ્રવિણભાઇ અકબરીને ચેક રીટર્ન થવાના કેસમાં થયેલ એક વર્ષની સજા સામેની અપીલને સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છેકે, રાજકોટના ફરીયાદી પોપટ દુલાભાઇ ખુંટીએ આરોપી હર્ષાબેન પ્રવિણભાઇ અકબરીને ઉછીની આપેલ રકમ પરત કરવા હેતુથી આરોપી હર્ષાબેન અકબરીએ ફરીયાદી પોપટભાઇ ખુટીને ત્રણ લાખ રૂપિયાનો રાજકોટ નાગરીક સહકારી બેંક લી. નો ચેક આપેલ હતો, જે ચેક બેલેસન્ના અભાવે રીટર્ન થયેલ હતો. તેથી ફરીયાદી પોપટભાઇએ રાજકોટની કોર્ટમાં હર્ષાબેન અકબરી વિરૂદ્ધ ફોજદારી ફરીયાદ કરેલ અનેસદરહું કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મહિલા આરોપી હર્ષાબેનને એક વર્ષની કેદની સજા તથા એક હજાર રૂપીયા દંડનો હુકમ ફરમાવેલ હતો.

આ હુકમથી નારાજ થઇને મહિલા આરોપી હર્ષાબેન અકબરીએ રાજકોટની સેસન્સ કોર્ટમા અપીલ દાખલ કરેલ હતી. જે અપીલ કેસ એડી. ડીસ્ટ્રીકટ જજ શ્રી પી.એન.દવેએ નામંજુર કરેલ અને નીચેની કોર્ટનો મહિલા આરોપીને એક વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત રાખેલ છે. તેમજ દિવસ-૧૦માં મહિલા આરોપીએ નીચેની કોર્ટ સમક્ષ સરન્ડર થાય તેવો હુકમ ફરમાવેલ છે.

આ કામમા મુળ ફરીયાદી પોપટભાઇ દુલાભાઇ ખુંટીના વકીલ તરીકે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી નૈમિષ જે. પટેલ, કેતન એન.સીંધવા, વિશાલ વી.અજાણી તથા હાર્દિક કે. પટેલ રોકાયેલા હતા.

(3:23 pm IST)