રાજકોટ
News of Monday, 4th June 2018

બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર ગોપાલ નેપાળી જેલહવાલે

કેકેવી ચોકમાંથી શનિવારે પાંચ વર્ષની બાળાને લઇ જતો'તો ત્યારે રંગેહાથ પકડાયો'તો

રાજકોટ તા. ૪: શનિવારે ભરબપોરે કેકેવી ચોક ટ્રાફિક સિગ્નલ પાસેથી રાજસ્થાની દંપતિની પાંચ વર્ષની પુત્રી પિન્કીનું નેપાળી શખ્સ ગોપાલ લાલબહાદુર સોનીએ અપહરણનો પ્રયાસ કરતાં તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો. યુનિવર્સિટી પોલીસે તપાસ કર્યા બાદ હદ ગાંધીગ્રામ પોલીસમાં આવતી હોઇ આ શખ્સને ત્યાં સોંપાયો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે થયો છે.

રાજસ્થાનના બુંદી જીલ્લાના ગામના  લાભચંદ કલ્યાણ બાવરીયા (ઉ.૨૭) અને તેની પત્નિ રાજબાઇ લાભચંદ બાવરીયા (ઉ.૨૪) પોતાની બે દિકરીઓ અને એક પુત્રને સાથે લઇ કેકેવી ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર રમકડા વેંચવા ગયા હતાં. તેની બે પુત્રી છાંયામાં બેઠી હોઇ તે પૈકી પાંચ વર્ષની પિન્કીને એક શખ્સ હાથ પકડી લઇ જતો હોઇ માતા રાજબાઇ જોઇ જતાં તેને પકડી લીધો હતો. પણ તે ભાગી છૂટ્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને દબોચી લઇ ઠમઠોરીને પોલીસને સોંપ્યો હતો.

પુછતાછમાં આ શખ્સે પોતે અગાઉ ભરૂચ રહેતો હોવાનું અને સાતેક દિવસ પહેલા જ ત્યાંથી રાજકોટ આવ્યાનું કહ્યું હતું. રોયલ પાર્કમાં તેના માતા-પિતા રહે છે અને ચોકીદારી કરે છે. તેના સસરા મેટોડા રહે છે. પત્નિ બે સંતાનોને લઇને માવતરે જતી રહી હોઇ પોતે ભરૂચની હોટલની નોકરી છોડીને અહિ આવ્યો હોવાનું અને બાળકીને પોતાની દિકરી સમજી રમાડવા લઇ જતો હોવાનું રટણ તેણે કર્યુ હતું. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે થયો છે. પી.એસ.આઇ. વી. સી. પરમાર અને હિતેન્દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૨)

 

(4:08 pm IST)