રાજકોટ
News of Monday, 4th June 2018

પ્લાસ્ટીક ગંદકી ફેલાવે છે : ડો દર્શિતાબેન શાહ

ભુગર્ભ ગટરો ઉભરાય છે અને ચોકઅપ જાય છેઃ શહેરીજનોને નો પ્લાસ્ટીક ઇઝ ફેન્ટાસ્ટીકની અપીલ કરતા ડે. મેયર

રાજકોટ, તા. ૪ : આગામી તારીખ ૫ જુને વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ દ્વારા રાજકોટ શહેરના તમામ શહેરીજનોને વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે. આ અંગે ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું છે કે, પ્લાસ્ટિક પોલ્યુશન અત્યારના પર્યાવરણનો સળગતો પ્રશ્ન છે. એક સંસોધન મુજબ આખી પૃથ્વીને ચાર વખત વીંટળાઈ જાય તેટલું પ્લાસ્ટિક આપણે ફેકીએ છીએ તેમજ દરિયામાં નખાતા પ્લાસ્ટીકને લીધે ૧ લાખથી વધુ દરિયાઈ જીવો વર્ષે મૃત્યુ પામે છે. આથી હવે સમય થઇ ગયો છે કે લોકોમાં જાગૃતતા આવે અને પોતાની જાતે પ્લાસ્ટીકની બેગ વિગેરેનો બહિષ્કાર કરે તે જરૂરી છે. ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે વધુમાં જણાવેલ છે કે, પર્યાવરણના મુદ્દે નાગરિકો સભાન થઇ રહ્યા છે પણ સક્રિયતા દ્યણી ઓછી છે. પ્લાસ્ટીકને કારણે આપણી ગટરો ચોકઅપ થાય છે. અને પાણીનો નિકાલ રોકાય છે.

આ તકે ડે.મેયર ડો.દર્શીતાબેન શાહે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે તમામ શહેરીજનોને અને ખાસ કરીને તમામ બહેનોને અપીલ કરી છે. કે ચાલો આપણાથી જ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવાની પહેલ કરીએ અને આપણે ખરેખર પર્યાવરણ જાગૃતતામાં આપણો ફાળો આપીએ.(૯.૪)

(4:03 pm IST)