રાજકોટ
News of Monday, 4th June 2018

પુણ્યરૂપ પ્રસાદ સાથે 'ભાગવત રસ'માં ભીંજાશે ભાવિકો

પિતૃઓના આત્મકલ્યાણ-મોક્ષાર્થે રૂપારેલ પરિવાર દ્વારા ગુરૂવારથી કથા પ્રારંભઃ શાસ્ત્રી અશોકભાઇ ભટ્ટ બિરાજશે વ્યાસાસનેઃ કાલાવડ રોડ ઉપર સીઝન હોટેલમાં રોજેરોજ ધર્મભીના ઉત્સવો ઉજવાશે આસ્થાભેર, પુનિત પાવન પ્રસંગો વાતાવરણને બનાવશે પવિત્રઃ શ્રી નાથજીની ઝાંખી 'ઠાકોરજી પધાર્યા મારે આંગણે...', શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યનું વકતવ્ય, દેવરાજ ગઢવી-ગુણવંતભાઇ ચુડાસમાનો ડાયરો અને નિલેશકુમાર-રાઘવ મ્યુઝીકલ ગ્રુપની રાસ-ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણવાનો મોકો... દરરોજ કથા વાંચન બાદ મહાપ્રસાદ

રાજકોટ,તા.૪: શહેરભરમાં પવિત્ર પુરૂષોતમ માસ દરમિયાન ઠેક-ઠેકાણે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી વાતાવરણને પવિત્ર બનાવી રહી છે, એવી જ રીતે સમગ્ર પરિવારના પિતૃઓના આત્મકલ્યાણ-મોક્ષાર્થે રૂપારેલ પરિવાર દ્વારા ગુરૂવારથી ધર્મભીના માહોલમાં આસ્થાભેર ભાગવત કથાનો પ્રારંભ થશે...સતત ૭ દિવસ  વિવિધ પાવન પ્રસંગોની ઉજવણી સૌ ભાવિકોને પુણ્યરૂપ પ્રસાદ સાથે જ 'ભાગવત રસ'માં ભીંજાવાનો અવસર પ્રાપ્ત કરાવશે.

જેમાં પિતાશ્રી ગૌ.વા. ચંપકલાલ કાનજીભાઇ રૂપારેલ, દાદાજી ગૌ.વા. કાનજીભાઇ ગોકલદાસ રૂપારેલ, દાદીમાં ગૌ.વા. કાન્તાબેન કાનજીભાઇ રૂપારેલ અને સમગ્ર પરિવારના પિતૃઓના આત્મકલ્યાણ અને મોક્ષાર્થે માતુશ્રી ગં.સ્વ. તારાબેન ચંપકલાલ રૂપારેલના માર્ગદર્શન તળે સીઝન હોટેલ, અવધ રોડ, ડ્રાઇવ ઇન સીનેમા સામે, કાલાવડ રોડ ખાતે શ્રીમદ ભાગવત કથાનો પૂણ્યમય પ્રારંભ ગુરૂવારથી થશે...પોથીયાત્રા આગલા દિવસે બુધવારે સાંજે પ વાગ્યે વાજતે-ગાજતે નિકળી કથાસ્થળે પહોંચશે.જયાં વ્યાસાસને શાસ્ત્રી અશોકભાઇ ભટ્ટ બિરાજી દરરોજ સવારે ૯ થી બપોરે ૧-૩૦ દરમિયાન વિવિધ દ્રષ્ટાંત સાથે રસપાન કરાવશે. કથામાં ે પ્રારંભે સવારે ૯ વાગ્યે મહાત્મય ગાથા, શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શિવ ચરિત્ર, બપોરે ૧૨ કલાકે નૃસિંહ જન્મ, રવિવારે બપોરે ૧૧ શનિવારે વાગ્યે વામન પ્રાગટય આરતી બાદ બપોરે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા તા.૧૧મીએ સોમવારે બપોરે ૧૨ વાગ્યે ગોવર્ધનલીલા, ૧૨મીએ બપોરે ૧૨ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ સહિતના પાવન પ્રસંગોની આસ્થાભેર ઉજવણી અને ૧૩મીએ પરિક્ષીત મોક્ષ ઉજવાયા પછી બપોરે ૧ વાગ્યે પુર્ણાહુતિ થનાર છે...આ દિવસે જ હવનનો સાંજે ૪ વાગ્યે પ્રારંભ થયા બાદ ૭ વાગ્યે બીડુ હોમાશે.

અત્રે નોંધનીય છે કે, દરરોજ સવારથી બપોર રસપાન બાદ રાત્રે ૮-૪૫ વાગ્યાથી વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે ત્યારે ગુરૂવારે શ્રીનાથજીની ઝાંખીમાં 'ઠાકોરજી પધાર્યા મારે આંગણે' ગાયક દેવ ભટ્ટ, સોનલબેન ગઢવી અને કલાકાર વૃંદની ટીમ દ્વારા સંગીતમય માહોલમાં રજુ થશે.જયારે શનિવારે જાણીતા લેખક શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યનું વકતવ્ય-માતુશ્રી ગં.સ્વ. તારાબેનની ૭૬મી વર્ષગાંઠનો અમૃત મહોત્સવ તથા રવિવારે લોક સાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી અને હાસ્ય કલાકાર ગુણવંતભાઇ ચુડાસમાનો ભાતીગળ કાર્યક્રમ...એવી જ રીતે ૧૨મીએ નિલેશકુમાર (રાજકોટ), રાઘવ મ્યુઝીકલ ગૃપ અને ટીમ સંગ રાસ-ગરબાની રમઝટ બોલશે...કથામાં મહાપ્રસાદ દરરોજ બપોરે ૧-૩૦ થી ૩  સુધી ચાલુ રહેનાર છે...કથા મહોત્સવને સફળ બનાવવા રૂપારેલ પરિવારના તમામ સભ્યો જહેમતશીલ છે. સૌ સગા-સબંધીઓ, આમંત્રિતો અને ધર્મપ્રેમીજનોને શ્રવણપાન સાથે જ મહાપ્રસાદનો લાભ લેવા ગં.સ્વ. તારાબેન, ગૌ.વા.ચંપકલાલ કાનજીભાઇ રૂપારેલના સમગ્ર પરિવાર વતી ચંદ્રિકાબેન, ભરતભાઇ ચંપકલાલ રૂપારેલ, શ્રીમતી વિભાબેન કશ્યપભાઇ રૂપારેલ અને કશ્યપભાઇ ભરતભાઇ રૂપારેલ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.(૨૧.૨)

(11:49 am IST)