રાજકોટ
News of Tuesday, 4th May 2021

હનુમાન મઢી શિવપરામાં બાઇક દૂર લેવા પ્રશ્ને વિશાલ-મયુરનો એક બીજા પર છરીથી હુમલો

બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૩: રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા-૩માં ઘરની ડેલી સામેથી બાઇક દૂર લેવા બાબતે માથાકુટ મારામારી થતાં બે યુવાને એક બીજા પર છરીથી હુમલો કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

શિવપરા-૩માં રહેતાં અને મોટી ટાંકી ચોકમાં આવેલા મેડિકલ સ્ટોરમાં નોકરી કરતાં વિશાલ જીતેન્દ્રભાઇ ગજરાણી (ઉ.વ.૨૨)ને રાતે તેની બાજુમાંજ રહેતાં મયુર અને નિખીલ નામના બે ભાઇઓએ ઝઘડો કરી પેટમાં છરી ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

સામા પક્ષે મયુર અશોકભાઇ કડવાતર (ઉ.વ.૩૨) પણ પોતાને વિશાલે પડખામાં છરી ઝીંકયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. મયુર કારખાનામાં મજૂરી કરે છે. તેના કહેવા મુજબ તેના ઘરની ડેલી સામે જ પડોશી વિશાલનું હોન્ડા પડ્યું હોઇ તે દૂર હટાવવાનું કહેતાં ઝઘડો થયો હતો અને તેણે છરી ઝીંકી હતી. સામે પક્ષે વિશાલે કહ્યું હતું કે મારું હોન્ડા ડેલી પાસે રાખ્યું હોઇ તે હટાવવાનું કહી મયુર અને તેના ભાઇ નિખીલે ગાળો દેતાં ના પાડતાં છરીથી હુમલો કર્યો હતો. પોલીસે બંનેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(3:28 pm IST)