રાજકોટ
News of Tuesday, 4th May 2021

કોરોનાના દર્દીઓ માટે સંતો રસોઇ બનાવે છેઃ ગુરૂકુળ દ્વારા મહાપ્રસાદ

દરરોજ ૯૦૦ જેટલા લોકો માટે ૩ સ્થળોએ સેવાઃ પ્રભુ સ્વામી

રાજકોટઃ સ્વામિનારાયણ ગુરૂકુળ ગોંડલ રોડ દ્વારા કોરોનાના દર્દીઓ અને હોસ્પિટલમાં એની સાથે આવેલા સ્વજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે તેની તસ્વીર.

રાજકોટ, તા.૪કોરોના ગ્રસ્ત દર્દીઓને તેનો પરિવાર જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરવા માટે તત્પર હોય છે. હોસ્પિટલ મળી ગયા પછીથી બીજી ચિંતા હોય છે જમવાની. જેને દ્યણી સામાજિક સંસ્થાઓ સેવા દ્વારા દૂર કરી રહી છે.

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના સંતો અને સ્વયંસેવકો દ્વારા આ જમાડવાની સેવાનો પ્રારંભ ૧૯ એપ્રિલ થી કરાયો છે. ગુરુકુળમા  બહુ થોડા લોકો ટિફિન સેવાનો લાભ લેવા આવતા હતા . આથી ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સિવિલ હોસ્પિટલમાં જ જમાડવાની વ્યવસ્થા કરવાનું કહેતા. શ્રી પૂર્ણપ્રકાશ સ્વામી તથા શ્રી હરિપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર અહીં દર્દીઓ તથા તેમની સેવામાં રહેલા પરિવારજનોને નિશુલ્ક ભોજન વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ બનાવાય છે તેમાં દ્યણા દર્દીઓ સારવાર લઈ રહેલા છે. તેઓને તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ ઉપર વિદ્યાલયમાં આઈસોલેશન સેન્ટર બનાવાયું છે તેમાં સારવાર લઈ રહેલા દર્દીઓને  આ ભોજન વ્યવસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા અપાઈ રહી છે.

  શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર  સ્વામિનારાયણની બે પડવાળી પાતળીને  કુણી ઘી ચોપડેલી રોટલી, સાથે દરદીઓના શરીરમાં હ્યુમિનિટી પાવર વધે તેવા દેશી મસાલા, ટામેટા મરચા,  લીંબુ,  મીઠો લીમડો વગેરે દ્વારા બનાવાયેલ દાળ, ભાત, બે શાક, સંભારો, છાશ  વગેરે આપવામાં આવે છે.

આ સમગ્ર સેવા  ભંડારી સ્વામી શ્રી ગોવિંદપ્રસાદદાસજી સ્વામી તથા શ્રી રૂગનાથચરણ દાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સ્વયંસેવકો શ્રી શૈલેષભાઈ બારસીયા, મનસુખભાઈ કોટડીયા,  ભરતભાઈ હપાણી, વેલજીભાઈ હિરપરા, નવનીત ભાઈ માખેસણા, પરેશભાઈ ટોપિયા વગેરે ભકિતભાવથી કરી રહ્યા છે.

    શાક સમારવું, રસોઈ બનાવવી એ સેવા સંતો જાતે  કરી રહ્યા છે.  પવિત્રપણે રસોઈ બનાવી, ભગવાનને થાળ જમાડી અને ભાવના - પ્રાર્થના કરવામાં આવે છે કે આ જમનાર દર્દીઓ જલ્લદીથી સાજા થઈને પોતાના ઘરે સુખરૂપ પહોંચે. અને જરૂરિયાતમંદોની સેવા કરવા પણ તત્પર બને.

નાત,જાત કે ધર્મના ભેદભાવ જોયા વિના તારીખ ૧૯ એપ્રિલ ૨૦૨૧ થી દરરોજ ૮૯૦ ઉપરાંત લોકોને બપોરે ૧૧:૩૦ થી ૧:૦૦ દરમ્યાન અને સાંજે ૭- થી ૮:  દરમિયાન ભગવાનનો પ્રસાદ અપાય છે.

(12:03 pm IST)