રાજકોટ
News of Monday, 4th May 2020

લિફટને કારણે લાઇફલાઇન પુરીઃ વિજકરંટથી બે જીવ ગયા

મોટા મવા અર્જુન પાર્ટી પ્લોટ પાસે કદમ હાઇટ્સના પાંચમા માળે વહેલી સવારે જીવલેણ દૂર્ઘટનાઃ પરિવારોમાં કલ્પાંત : છઠ્ઠા માળે રહેતાં બ્રહ્મક્ષત્રિય મનિષાબેન કિરણભાઇ આશરા (ઉ.૫૩) દૂધ લેવા જવા લિફટનો દરવાજો ખોલી અંદર ગયા, પાંચમા માળે પહોંચ્યા ત્યાં કરંટ લાગ્યોઃ ચીસ સાંભળી પાંચમા માળે રહેતાં પટેલ જીજ્ઞેશભાઇ જસવંતભાઇ ઢોલ (ઉ.૪૭) દોડી આવ્યાઃ તે લિફટ ખોલવા જતાં તેમને પણ કરંટ લાગ્યો

મનિષાબેન આશરા અને જીજ્ઞેશભાઇ ઢોલના નિષ્પ્રાણ દેહ તથા ઘટના જ્યાં બની તે કદમ હાઇટ્સ એપાર્ટમેન્ટ અને જ્યાં ઘટના બની એ લિફટ  (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેરના કાલાવડ રોડ પર મોટામવામાં અર્જુન પાર્ટી પ્લોટ સામે આવેલા કદમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં સવારના પ્હોરમાં જીવલેણ દૂર્ઘટના બની છે. જેમાં દૂધ લેવા માટે લિફટનો દરવાજો ખોલી અંદર જતાં અને પાંચમા માળે પહોંચતા બ્રહ્મક્ષત્રિય મહિલાને જોરદાર વિજકરંટ લાગતાં ચોંટી ગયા હતાં. તેમની ચીસ સાંભળી પાંચમા માળે રહેતાં પટેલ વેપારી શું થયું તે જોવા દોડી આવતાં અને મહિલાને બચાવવા જતાં તેમને પણ લિફટના દ્વારમાંથી જોરદાર વિજકરંટ લાગતાં બંને બેભાન થઇ ગયા હતાં. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેના મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

લિફટને કારણે બબ્બે વ્યકિતની લાઇફલાઇન પુરી થઇ ગયાની અરેરાટી ભરી ઘટનાની વિગતો જોઇએ તો કદમ હાઇટ્સમાં છઠ્ઠા માળે રહેતાં મનિષાબેન કિરણભાઇ આશરા (ઉ.વ.૫૩) નામના બ્રહ્મક્ષત્રિય મહિલા સવારે સાડા છએક વાગ્યે દૂધ લેવા જવા માટે નીકળ્યા હતાં અને છઠ્ઠા માળે પોતાના ફલેટ નં. ૬૦૪માંથી નીચે જવા લિફટ પાસે આવ્યા હતાં.

તેમણે લિફટનો દરવાજો ખોલ્યો હતો અને અંદર બેઠા હતાં. લિફટ પાંચમા માળે પહોંચી ત્યારે જોરદાર કરંટ લાગતાં તેમની ચીસ સાંભળી  પાંચમા માળે રહેતાં પટેલ વેપારી જીજ્ઞેશભાઇ જસવંતભાઇ ઢોલ (ઉ.વ.૪૭) દોડી આવ્યા હતાં. તેમણે મનિષાબેનને બચાવવાનો પ્રયાસ કરતાં તેમને પણ લિફટની જાળીમાંથી  કરંટ લાગ્યો હતો. ચીસ સંભળાતા મનિષાબેનના પુત્ર દેવાંશુભાઇ તથા બીજા સ્વજનો અને રહેવાસીઓ દોડી આવ્યા હતાં.

મનિષાબેન અને જીજ્ઞેશભાઇ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મનિષાબેને દમ તોડી દીધા બાદ થોડીવાર પછી જીજ્ઞેશભાઇનું પણ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ અજીતસિંહ જાડેજા અને રાઇટર રિતેશભાઇ પટેલે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવને પગલે બંને હતભાગીના સ્વજનો, કદમ હાઇટ્સના રહેવાસીઓમાં ગમગીની છવાઇ ગઇ છે.

મૃત્યુ પામનાર મનિષાબેનના પતિ કિરણભાઇ આશરા વેપાર કરે છે. સંતાનમાં તબે પુત્ર છે. જ્યારે જીજ્ઞેશભાઇ ઢોલ કોમ્પ્યુટર કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લિફટમાં કરંટ કઇ રીતે ચાલુ થઇ ગયો? તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. 

(3:27 pm IST)