રાજકોટ
News of Thursday, 4th March 2021

મચ્છાનગરમાં વિજયભાઇ સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

યુવાનને લટકતી હાલતમાં જોઇ પાડોશીએ તેના ભાઇને જાણ કરાઇઃ કારણ જાણવા તપાસ

રાજકોટ, તા., ૪: મચ્છાનગર મફતીયાપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ પાસે મચ્છાનગર મફતીયાપરામાં રહેતા વિજયભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.૩પ) ગઇકાલે પોતાના ઘરે એકલા હતા ત્યારે લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

પાડોશી વિજયભાઇને લટકતી હાલતમાં જોઇ જતા તેના ભાઇને જાણ કરતા તેનાભાઇ તાકીદે દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વિક્રમસિંહ તથા રાઇટર કિશનભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મૃતક વિજયભાઇના પત્ની અને પુત્રી બંને સુરત ગયા હતા. તે મજુરી કામ કરતા હતા તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:29 pm IST)