રાજકોટ
News of Thursday, 4th March 2021

પાણીની નળી ઉપરથી બાઇક હંકારવાની ના પાડતા હેતલબેન, પતિ અને દિયર પર ઘરમાં ઘુસી હુમલો

કોઠારીયા સોલવન્ટની રાધિકા સોસાયટીમાં બનાવઃ એકને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્ટની રાધિકા સોસાયટીમાંરહેતાં હેતલબેન મયુરભાઇ ભાસ્કર (ઉ.૩૦), તેના પતિ મયુરભાઇ દેવજીભાઇ (ઉ.૩૨) અને દિયર ચેતનભાઇ દેવજીભાઇને અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી ઢીકા-પાટુનો માર મારતાં ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાં હેતલબેનને દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. હેતલબેનના સગા વિમળાબેનના કહેવા મુજબ પાણીનું ટેન્કર આવ્યું હોઇ અમે નળી ભરાવીને પાણી ભરતાં હતાં આ વખતે અજાણ્યા શખ્સોએ નળી પરથી બાઇક હંકાર્યુ હતું. અગાઉ પણ તે આવુ કરીને જતાં રહ્યા હતાં. ગઇકાલે તેને નળી પરથી બાઇક ન હંકારવા સમજાવતાં ઝઘડો કર્યો હતો અને ઘરમાં ઘુસી મારકુટ કરી ભાગી ગયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(4:29 pm IST)