રાજકોટ
News of Thursday, 4th March 2021

ગોંડલ રોડ પર મુથુટ ફાઇનાન્સની ઓફીસમાં ભીષણ આગ લાગતા આઠ લાખનું નુકશાન

આગમાં ત્રણ કોમ્પયુટર, ચાર એસી, ટેબલ, ખુરશી, પંખો, દરવાજા સહિત આખી ઓફીસ ખાકઃ શોટ સર્કિટના લીધે આગ હોવાનું તારણ

જયાં આગ લાગી તે ઓફીસ તથા બળીને ખાક થયેલો સામાન અને પોલીસ નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૪: શહેરના ગોંડલ રોડ પર આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફીસમાં આગ લાગતા ફાયરબ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર બાળ અદાલતની સામે આવેલી મુથુટ ફાયનાન્સ નામની ઓફીસમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ધુમાડાના ગોટેગોટા જોઇને કોઇએ ફાયરબ્રિગેડમાં જાણ કરતા ફાયરબ્રીગેડ સ્ટાફ તાકીદે ફાયર ટેન્ડર સાથે બનાવ સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગ ઓફીસમાં કેશીયર કેબીનની બાજુના ભાગે લાગી હતી તેમાં ત્રણ કોમ્પયુટર, એસી, ચાર, ટેબલ, ખુરશી, પંખા, પીઓપી તથા દરવાજો સહિત આખી ઓફીસ બળી ગઇ હતી. બનાવની જાણ થતા ફાઇનાન્સ ઓફીસના મેનેજર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે અને તેમાં અંદાજે આઠેક લાખનું નુકશાન થયુ હોવાની ઓફીસના કર્મચારી સાગરભાઇએ જણાવ્યુ હતું.

(4:27 pm IST)