રાજકોટ
News of Thursday, 4th March 2021

મ.ન.પા. વધુ ૩૮ દુકાનો વેંચશે

તા. ૧૭ના મવડી વિસ્તારમાં આવેલા સીતા-લક્ષ્મણ ટાઉનશીપની દુકાનોની હરરાજીઃ રૂ. ૯.૮૦ લાખથી રૂ. ૨૦.૨૦ લાખ સુધીની અપસેટ પ્રાઈઝ

રાજકોટ, તા. ૪ :. મ્યુ. કોર્પોરેશન દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ સ્માર્ટ ઘર-૨ અને ૩ની કુલ ૩૮ દુકાનોની હરરાજી તા. ૧૭ના સવારે ૯ વાગ્યે કરવામાં આવશે. જેની અપસેટ કિંમત રૂ. ૯.૮૦ લાખથી રૂ. ૨૦.૨૦ લાખ સુધી રાખવામાં આવી છે.  આ અંગે મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના આસી. મેનેજર ભરત કાથરોટીયાના જણાવ્યા પ્રમાણે મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ સીતા ટાઉનશીપની ૩૩ તથા લક્ષ્મણ ટાઉનશીપની ૫ સહિત કુલ ૩૮ દુકાનોની હરરાજી તા. ૧૭ના સવારે ૯ કલાકે સીતા ટાઉનશીપ, શ્યામલ સ્કાય લાઈફની સામેની શેરીમાં, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ ખાતે કરવામાં આવશે. આ દુકાનો ૧૧.૮૯ ચો.મી.ની ૨૧.૨૧. ચો.મી. સુધીની છે. જેમા અપસેટ પ્રાઈઝ રૂ. ૯.૮૦ લાખથી રૂ. ૨૦-૨૦ લાખ સુધીની રાખવામાં આવી છે.

હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યકિતઓએ હરરાજીના સમયે સ્થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. હરરાજીમાં ભાગ લેનાર ઈસમે સ્થળ પર રૂ. ૧ લાખ પુરા રોકડા અથવા રાજકોટ મહાનગરપાલિકાના નામના ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ www.rmc.gov.in પરથી તેમજ એસ્ટેટ વિભાગ, રૂમ નં. ૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન. ૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે તેમ અંતમાં સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(4:24 pm IST)