રાજકોટ
News of Thursday, 4th March 2021

ડુંગળીના ભાવો તૂટે જ છે : વધુ ૫૦ રૂ. ઘટયા

૨૦ કિલોના ભાવ ૩૦૦થી ૫૦૦ રૂ. હતા તે ઘટીને ૨૫૦ થી ૪૫૦ રૂ. થઇ ગયા : કિલોએ ૨ થી ૩ રૂ. તૂટયા : ભાવો ઘટયા છતાં છૂટકમાં લોકોને લાભ મળતો નથી! : ડુંગળીની સાથે બટેટાના ભાવો પણ તૂટયા : મણે ૨૦ રૂ. અને કિલોએ ૨ રૂ. ઘટયા

રાજકોટ તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં ડુંગળીની પુષ્કળ આવકોના પગલે ભાવો ઘટતા જ જાય છે. આજે ડુંગળીમાં મણે વધુ ૫૦ રૂ. અને કિલોએ ૨ થી ૩ રૂ.નો ઘટાડો નોંધાયો છે. ડુંગળીની સાથે બટેટાના ભાવો પણ તૂટી રહ્યા છે.  રાજકોટ યાર્ડમાં આજે ડુંગળીના ૩૦ થી ૩૫ હજાર કટ્ટાની આવક હતી તેવી જ રીતે ગોંડલ યાર્ડમાં ૨ થી ૨.૫૦ લાખ તથા ભાવનગર યાર્ડમાં ૨ થી ૨.૫૦ લાખ ડુંગળીના કટ્ટાની આવક હતી. પુષ્કળ આવકોના પગલે ડુંગળીના ભાવો સતત તૂટી રહ્યા છે. આજે ડુંગળીમાં મણે વધુ ૫૦ રૂ. તૂટયા હતા. ડુંગળી એક મણના ભાવ ૩૦૦ થી ૫૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૨૫૦ થી ૪૫૦ રૂ. થઇ ગયા હતા. હોલસેલમાં ડુંગળીમાં કિલોએ ૨ થી ૩ રૂ. ઘટયા છે. ડુંગળી એક કિલોના ભાવ ૧૯થી ૨૫ રૂ. હતા તે ઘટીને ૧૬ થી ૨૨ રૂ. થઇ ગયા છે. જો કે, ભાવ ઘટાડાનો છૂટકમાં લોકોને લાભ મળતો નથી. ભાવો ઘટવા છતાં છૂટકમાં ડુંગળી એક કિલો ૩૦ થી ૩૫ રૂ.ના ભાવે વેચાઇ રહી છે.

ડુંગળીની સાથે બટેટાના ભાવો પણ ઘટી રહ્યા છે. નવા બટાટાની આવકના પગલે બટેટામાં ૨૦ કિલોએ ૨૦ થી ૩૦ રૂ. અને કિલોએ ૨ રૂ. ઘટી ગયા છે. બટેટા ૨૦ કિલોના ભાવ ૧૨૦ થી ૨૦૦ રૂ. હતા તે ઘટીને ૮૦ થી ૧૮૦ રૂ. થઇ ગયા છે. ડુંગળી અને બટેટાના ભાવો ઘટી રહ્યા હોય ગૃહિણીઓમાં હાશકારો થયો છે.

(2:53 pm IST)