રાજકોટ
News of Thursday, 4th March 2021

ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા નેશનલ લેવલની ટેનિસ ટુર્નામેન્ટ

રાજકોટ : ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા એઆઇટીએ યુ-૧૪ ટેલેન્ટ સીરીઝ ટેનીસ ટુર્નામેન્ટનું રેસકોર્ષ ખાતે આયોજન કરાયુ હતુ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને પ્લેટફોર્મ પુરૂ પાડવાના હેતુથી યોજાયેલ આ ટુર્ના.માં ૬૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતમાંથી આવેલ ખેલાડીઓમાં ગર્લ્સ સીંગલ કેટેગરીમાં ધનશ્રી પાટીલ વિજેતા અને પીયા મીસ્ત્રી ઉપવિજેતા બનેલ. જયારે બોયઝ સીંગલ કેટેગરીમાં કબીર ચોથાથી વિજેતા અને તનય શર્મા ઉપવિજેતા બનેલ. ગર્લ્સ ડબલ્સ કેટેગરીમાં ધનશ્રી પાટીલ અને હિરવા રંગાણી વિજેતા તેમજ વેદાંશી શાહ અને ઇન્સીયાહ મૌહવાલા ઉપવિજેતા બનેલ. જયારે બોયઝમાં ડબલ્સ કેટેગરીમાં વ્યામ શાહ અને તનય શર્મા વિજેતા તથા કબીર ચોથાણી અને ધ્યેય બારીયા ઉપવિજેતા બનેલ. તમામને ગ્રીનવુડ સ્પોર્ટસ એકેડમી દ્વારા ટ્રોફી એનાયત કરાઇ હતી. કાર્યક્રમમાં એકેડમીના ચેરમેન મયુરધ્વજસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા રાહુલ ઉન્નીથન અને એકલવ્ય એવોર્ડ વિજેતા ટેનીસ કોચ સૌરભ રઘુવંશી, ભાવેશભાઇ રંગાણીએ જહેમત ઉઠાવી હતી.

(2:50 pm IST)