રાજકોટ
News of Thursday, 4th March 2021

વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૪ થી તા.૧૨ માર્ચ સુધીની આગાહી : ગરમીનો રાઉન્ડઃ પારો ૩૭ થી ૩૯ ડિગ્રીની રેન્જમાં પહોંચશે

તા.૪ થી ૭ પારો ઉચકાશે, તા.૮,૯ ના આંશિક ઘટાડો, તા.૧૦ થી ૧૨ મહતમ તાપમાન ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં પહોંચી જશેઃ તા.૧૦ થી ૧૨ કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઝાકળવર્ષાઃ સવારનું તાપમાન પણ ઉંચકાશે

રાજકોટઃ  તા.૪, ઉનાળાની ગરમીનો પ્રથમ રાઉન્ડ શ: થયો છે. આ સપ્તાહના અંત સુધી એટલે કે રવિવાર સુધી ગરમીનો પારો ૩૭ થી ૩૯ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. બાદ આંશિક ઘટાડો જોવા મળશે. બાદ તા.૧૦થી ૧૨ દરમિયાન મહતમ તાપમાન ૩૫ થી ૩૭ ડિગ્રી નોંધાશે. આવતા સપ્તાહમાં ઝાકળનું પ્રમાણ પણ જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે હાલમાં તાપમાનનો પારો ગઇકાલથી ઉંચકાય છે મહતમ અને ન્યુનતમ બંને તાપમાન નોર્મલથી ઉંચા રહે છે. હાલ ઓવરઓલ નોર્મલ ૩૪ થી ૩૫ ડીગ્રી ગણાય. ન્યુનતમ તાપમાન નોર્મલ ૧૭ આસપાસ ગણાય. અમદાવાદ ૩૬.૮, ન્યુનતમ ૧૪ ડિગ્રી (નોર્મલથી નીચુ), રાજકોટ ૩૬, ન્યુનતમ ૧૬.૭ (નોર્મલ), સુરેન્દ્રનગર ૩૮.૩ મહુવા ૩૮.૮, ડીસા ૩૭.૧ અને કેશોદ ૩૬, ભુજ ૩૭, અમરેલી ૩૭.૨ ડિગ્રી નોંધાયેલ.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૪ થી ૧૨ માર્ચ સુધીની આગાહી કરતા જણાવ્યુ કે તા.૪ થી ૭ માર્ચ દરમિયાન તાપમાનનો પારો ઉંચો રહેશે. (રેન્જ ૩૭ થી ૩૯ ડિગ્રી વચ્ચે રહેશે.) તા.૮, ૯ માર્ચના આંશિક ઘટાડો જોવા મળશે. તા.૧૦ થી ૧૨ માર્ચ દરમિયાન ગરમીનો પારો ૩૫ થી ૩૭ ડિગ્રીની રેન્જમાં આવી જશે.

આગાહી સમય દરમિયાન પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના ફુંકાશે પવનની ગતિક તા.૬ સુધી ૧૦ થી ૧૫ કિ.મી. અને તા.૭ થી ૧૨ દરમિયાન ૧૫ થી ૨૫ કિ.મી.ના અને કયારેક બપોરના સમયે અમુક દિવસો દરમિયાન ૩૦ કિ.મી.એ પણ પહોંચી જશે.

જનરલ પશ્ચિમી પવનો હોવાથી સવારે ભેજનું પ્રમાણ તા.૬ સુધી સામાન્ય રહેશે. તા.૭ થી ભેજ વધશે એટલે તા.૭,૮,૯ ના કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સિમિત વિસ્તારોમાં સામાન્ય ઝાકળ જોવા મળશે. જયારે તા.૧૦, ૧૧,૧૨ માર્ચના કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઝાકળની માત્રા અને વિસ્તારમાં વધારો થશે. આગાહી દરમિયાન સવારનું ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉંચુ જ રહેશે.

(4:37 pm IST)