રાજકોટ
News of Thursday, 4th March 2021

મારા પિતાની હત્યા થઇ'તી...તું તેનો મિત્ર હતો, બધુંય જાણે છે તો'ય કેમ બોલતો નથી? કહી મયુરસિંહે કાળુભાઇને પાણકો મારી પતાવી દીધા!

વિછીયાના પીપરડીના પ્રોઢ લોકડાઉન પછી મોટે ભાગે ગામડે રહેતા'તાઃ ગઇકાલે જ પૈસાની ઉઘરાણીનું કહી રાજકોટ આવ્યા ને લોથ ઢળી ગઇ : સિવિલ હોસ્પિટલ ચોકમાં બુધવારની સાંજે થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યોઃ માધાપર ચોકડીના મયુરસિંહ ગોહિલ અને તેના મિત્ર દેવપરાના અમિત જેઠવાને ઉઠાવી લઇ આકરી પુછતાછ થતાં હત્યા કર્યાની કબૂલાત આપી : હત્યાનો ભોગ બનનાર કાળુભાઇ પરમાર અને આરોપી મયુરસિંહના પિતા સહદેવસિંહ ગોહિલ બંને મિત્રો હતાં અને સાથે ખાતા-પીતાઃ અઢી વર્ષ પહેલા સહદેવસિંહનું કેસરી પુલ પરથી ૫રથી પડી જતાં મૃત્યુ થયું હતું: એ બનાવ આકસ્મિક ન હોવાની અને હત્યા થયાની તેમજ કાળુભાઇ કંઇક છુપાવતા હોવાની મયુરસિંહને સતત શંકા હતીઃ ગઇકાલે કાળુભાઇ ભેગા થઇ જતાં શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો : પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ સી. જે. જોષી, પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમે ભેદ ઉકેલ્યોઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ડી.વી. બસીયા તથા એસ.આર. ટંડેલએ વિગતો જણાવી : રાજકોટ ઉઘરાણી બાકી છે સાંજે આવી જઇશ... કાળુભાઇ દિકરીને આવું કહીને ગત બપોરે જ ગામડેથી નીકળ્યા'તાઃ પણ સાંજે તેમની હત્યાના વાવડ આવ્યા : ડિટેકશન કરનાર ટીમને પોલીસ કમિશનરે ૧૫ હજારનું ઇનામ આપ્યું

હત્યાનો ભોગ બનેલા કાળુભાઇ પરમારનો લોહીલુહાણ મૃતદેહ, બનાવ સ્થળે ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની ટૂકડી, પથ્થર, મૃતકના ચપ્પલ જોઇ શકાય છે. ગુનો ડિટેકટ કરવામાં આઇ-વે પ્રોજેકટના કેમેરાનો પણ ઉપયોગ થયો હતો. (ફોટોઃ અશોક બગથરીયા) : ફટાફટ ડિટેકશનઃ હત્યાના ગુનાનું ડિટેકશન કલાકોમાં થઇ જતાં તેની માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એસ.આર. ટંડેલ અને સાથે પીઆઇ વી. કે. ગઢવી, સી. જી. જોષી, પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમ તથા બંને આરોપી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૪: સિવિલ હોસ્પિટલ ચોકમાં હાલ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે એ સ્થળે બુધવારે સાંજે માથામાં ઇજા થયેલી હાલતમાં અજાણ્યા પ્રોૈઢની લાશ મળી આવી હતી. ઘટના હત્યાની હોવાનું જણાતાં અને આ લાશ વિછીયાના પીપરડી  (આલા ખાચરની) ગામના કાળુભાઇ પાલાભાઇ પરમાર (ઉ.વ.૫૦)ની હોવાનું ખુલી ગયાની સાથે જ હત્યાના બે આરોપીઓ પણ ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝનની ટીમના હાથમાં આવી ગયા હતાં. પ્રાથમિક તબક્કે ગાળો બોલવા મામલે ડખ્ખો થતાં હત્યા થયાનું ખુલ્યું હતું. પરંતુ વિશેષ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે પકડેલા બે આરોપીઓ પૈકીના માધાપર પાસે રહેતાં મયુરસિંહ ગોહિલના પિતા સહદેવસિંહ ગોહિલનું અઢી વર્ષ પહેલા કેસરી પુલ પરથી અકસ્માતે પડી જતાં મૃત્યું થયું હતું.  સહદેવસિંહ અને હત્યાનો ભોગ બનેલા કાળુભાઇ બંને પાક્કા મિત્રો હતાં અને સાથે ખાતા-પીતા હતાં. મયુરસિંહને ત્યારથી સતત શંકા હતી કે તેના પિતાજીનું આકસ્મિક મૃત્યુ નહોતું પણ પુલ પરથી ફેંકી હત્યા કરાઇ હતી અને તેમાં તેના મિત્ર કાળુભાઇ બધુ જાણે છે છતાં કંઇ કહેતાં નથી. આ વાતે ગત સાંજે ફરી ઝઘડો થયો હતો અને તેને મયુરસિંહે પાણકો મારી પતાવી દીધા હતાં. મિત્ર અમિતે મદદગારી કરી હતી.

હત્યાની ઘટના જાહેર થતાં એ-ડિવીઝન પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાંચની ટીમો પહોંચી ગઇ હતી. હત્યાનો ભોગ બનેલા  પ્રોૈઢના ખિસ્સામાંથી એક મોબાઇલ નંબર મળતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરતાં આ નંબર પીપરડીના કિશોરભાઇનો નીકળ્યો હતો. તેના વ્હોટ્સએપમાં પોલીસે મૃતકના ફોટા મોકલતાં અને મૃતકને તે ઓળખે છે કે કેમ? તેવું પુછતાં કિશોરભાઇએ આ મૃતક પોતાના ગામના જ હોવાનું કહી પોલીસે મોકલેલો ફોટો દિનેશ કાળુભાઇ પરમાર (ઉ.૨૫)ને બતાવતાં દિનેશે આ ફોટો પોતાના પિતા કાળુભાઇ પાલાભાઇ પરમારનો હોવાનું ઓળખ્યું હતું અને સગાઓને સાથે લઇ તુરત જ રાજકોટ પહોંચ્યા હતાં.

લાશની ઓળખ થયાની સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો અને બે આરોપીના ટૂંકા નામ પણ મળી જતાં બંનેને સકંજામાં લઇ લીધા હતાં.  પોલીસે દિનેશની ફરિયાદ પરથી માધાપર ચોકડી પાસે રહેતાં અને હાલ તારાપુર ચોકડીએ હોટેલમાં કામ કરતાં મયુરસિંહ સહદેવસિંહ ગોહિલ અને તેના મિત્ર દેવપરાના અમિત ભગવાનજીભાઇ જેઠવા વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૫૦૪, ૧૧૪, ૩૭ (૧) ૧૩૫ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

હત્યાનો ભોગ બનનાર કાળુભાઇ ચાર ભાઇઓ અને ત્રણ બહેનમાં બીજા હતા. અન્ય ભાઇઓના નામ ધુડાભાઇ, હકાભાઇ અને મનુભાઇ છે. કાળુભાઇના પત્નિ શાંતુબેન પચ્ચીસેક વર્ષ પહેલા ગુજરી ગયા છે. સંતાનમાં એક પુત્ર દિનેશ અને બે પુત્રી મંજુબેન તથા વસંતબેન છે. જેમાં વસંતબેન સાસરે છે. દિનેશ અને મંજુબેન કુંવારા છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ કાળુભાઇ મોટે ભાગે રાજકોટ રહી ગમે ત્યાં મજૂરી કરી ખાઇ પી મજૂરીના સ્થળે કે પછી બીજે ગમે ત્યાં સુઇ રહેતાં હતાં. પખવાડીયે મહિને તેઓ ગામમાં દિકરા-દિકરી પાસે આટો મારી આવતાં હતાં. લોકડાઉન પછી ઘણો સમય ગામડે રહ્યા હતાં. એ પછી છેલ્લે એકાદ મહિનાથી તે દિકરા-દિકરી સાથે ગામડે જ હતાં. ગઇકાલે બપોરે જ તેઓ રાજકોટમાં અગાઉની મજૂરીના પૈસા લેવાના બાકી છે તે લઇને સાંજે પાછા આવી જશે તેમ દિકરી મંજુબેનને કહીને નીકળ્યા હતાં. પરંતુ સાંજે તેમની હત્યા થઇ ગયાના વાવડ દિકરા-દિકરીને મળતાં કલ્પાંત સર્જાયો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે  હત્યાનો ભોગ બનેલા કાળુભાઇ પરમાર અને અઢી વર્ષ પહેલા મૃત્યુ પામનાર સહદેવસિંહ ગોહિલ કે જે મુખ્ય આરોપી મયુરસિંહ ગોહિલના પિતાજી છે તે બંને ગાઢ મિત્ર હતાં. સહદેવસિંહ અને કાળુભાઇ મોટે ભાગે સાથે જ કામ કરતાં અને સાથે ખાતા-પીતા હતાં. બીજા કેટલાક પણ તેના મિત્રો હતાં. દોઢ વર્ષ પહેલા સહેદવસિંહની લાશ કેસરી પુલ નીચેથી મળી હતી. જે તે વખતે પોલીસની તપાસમાં તેમણે કેસરી પુલ પરથી અકસ્માતે પડી ગયાનું ખુલ્યું હતું. એ.ડી. નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.

પરંતુ આ બનાવમાં પુત્ર મયુરસિંહને સતત એવી શંકા હતી કે પિતા સહદેવસિંહે અકસ્માતે નહોતા પડ્યા, પણ તેને ધક્કો દઇ પુલ પરથી ફેંકી દઇ પતાવી દેવામાં આવ્યા છે. આ મામલે તેના મિત્ર કાળુભાઇ બધુ જાણતા હોવા છતાં છુપાવી રહ્યા છે. આ શંકાને કારણે અગાઉ પણ તેને કાળુભાઇ સાથે માથાકુટ થઇ હતી. એ પછી લોકડાઉન આવી જતાં કાળુભાઇ પોતાના ગામડે જતાં રહ્યા હતાં અને મયુરસિંહ પણ ઘણા સમયથી તારાપુર ચોકડીએ હોટેલમાં કામ કરવા જતો રહ્યો હતો. બે ત્રણ દિવસથી તે રાજકોટ આવ્યો હતો. ત્યાં ગઇકાલે કાળુભાઇ પણ રાજકોટ આવ્યાની જાણ થતાં તે, મિત્ર અમિત અને કાળુભાઇ વાતચીત કરવા હોસ્પિટલ ચોકમાં અન્ડર બ્રિજનું કામ ચાલુ છે ત્યાં ખાડામાં ભેગા થયા હતાં.

આ વખતે મયુરસિંહે 'મારા પિતાજીની એ વખતે હત્યા જ થઇ'તી...તું બધુ જાણે છે છતાં કેમ કહેતો નથી, તું તેનો મિત્ર હતો તો'ય તું છુપાવે છે'...તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં કાળુભાઇએ ગાળો દેવાની ના પાડતાં વાત વણસી હતી અને મયુરસિંહને ખુબ ગુસ્સો આવતાં તેણે ધક્કો દઇ તેમને પછાડી દીધા હતાં અને બાદમાં ત્યાં પાણકો પડ્યો હોઇ તે ઉપાડીને માથામાં ઘા મારી પતાવી દીધા હતાં. મિત્ર અમિત પણ સાથે હોઇ પોલીસે તેને મદદગારીમાં લીધો છે. આ બનાવ અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડા, એ-ડિવીઝનના જે. એમ. ભટ્ટ, ક્રાઇમ બ્રાંચના મયુરભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલા, એ-ડિવીઝનના ડી. બી. ખેર, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, જગદીશભાઇ, મેરૂભા ઝાલા, નરેશભાઇ, મોૈલિકભાઇ સહિતના સ્ટાફે ઘટનામાં તાકીદે તપાસ કરી ભેદ ઉકેલી નાંખી આરોપીઓને દબોચી લીધા હતાં.(૧૪.૮)

મયુરસિંહ ૧૨ ચોપડી ભણેલોઃ ચાર વર્ષથી ઘર છોડી દીધું હતું: બીજો આરોપી અમિત ૧૩ ગુનામાં સામેલ

.પોલીસે આરોપી મયુરસિંહ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે તે મોટે ભાગે રખડતું જીવન જીવે છે. તેના માતા હયાત નથી. પોતે કાકા ગોવિંદસિંહ ગોહિલ સાથે વ્હોરા સોસાયટી પાછળ રહેતો હતો. ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો છે અને અગાઉ સદર બજારના મેડિકલ સ્ટોરમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી. એ પછી રિક્ષા હંકારતો હતો. સાતેક વર્ષથી ઘર છોડી દીધું હતું. ચારેક વર્ષથી તેની ઓળખાણ બીજા આરોપી અમિત જેઠવા સાથે થતાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બે વર્ષથી મયુરસિંહ તારાપુર ચોકડીએ હોટલમાં કામ કરે છે અને રાજકોટ આવ જા કરતો રહે છે. બે દિવસ પહેલા તે રાજકોટ આવેલ અને અમિત સાથે ભેટો થયો હતો. ત્યાં ઇકાલે કાળુભાઇ પણ રાજકોટ આવ્યા હતાં અને બંનેને મળી તેની હત્યા કરી હતી.

અમિત જેઠવા વિરૂધ્ધ પ્ર.નગર, કુવાડવા, થોરાળા, એ-ડિવીઝન, ભકિતનગર, મોરબી સીટી, ગોંડલ સીટી, રાજકોટ રેલ્વેમાં જૂગાર અને દારૂના તેમજ જાહેરનામા ભંગના મળી ૧૩ ગુના નોંધાઇ ચુકયા છે.

(4:26 pm IST)