રાજકોટ
News of Saturday, 4th February 2023

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ‘હિટ એન્‍ડ રન' : અજાણ્‍યા વાહને ત્રણ યુવાનને હડફેટે લેતા યુપીના ચંદ્રવાનનું મોત

નવાગામ રંગીલા સોસાયટીના ત્રણેય યુવાન શાકભાજી લઇ ઘરે જતા'તાઃ અમીત અને જયંત સારવારમાં

 

રાજકોટ,તા ૪ : કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે હિટ એન્‍ડ રન'ની ઘટનામાં અજાણ્‍યા વાહને ત્રણ મિત્રોને હડફેટે લેતા યુપીના યુવાનનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશ હાલ રાજકોટ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતો ચંદ્રવાન રામ આશ્રય ચૌહાણ (ઉવ.૨૧) ગઇ કાલે તેની સાથે રહેતા મિત્ર અમીત ચૌહાણ અને જયંત ચૌહાણ ત્રણેય શાકભાજી લેવા માટે ગયા હતા. શાકભાજી લઇ ચાલીને ઘરે જતા હતા ત્‍યારે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે અજાણ્‍યા વાહના ચાલકે ત્રણેયને હડફેટે લેતા ત્રણેય યુવાનને માથા તથા શરીર ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ચંદ્રવાન ચૌહાણનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક ચંદ્રવાન ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તે ઇમીટેશનની મજુરી કામ કરતો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:42 pm IST)