રાજકોટ
News of Saturday, 4th February 2023

શહેરોને અર્બન સીટી બનાવવા આગેકૂચ : ગ્રીન મોબાલીટીનો ઉપયોગ જરૂરી : ભૂપેન્‍દ્રભાઇ

શહેરને વિકાસની ભેટ આપતા મુખ્‍યમંત્રી : મનપા - રૂડાના ૧૪૦ કરોડના કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત : જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીએ, તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ : ભાનુબેન બાબરિયા : રંગીલુ રાજકોટ સ્‍માર્ટ બને, સ્‍વચ્‍છતા - સફાઇ - સુવિધા વધે તે માટે ઘણી યોજનાઓ અમલી : રાઘવજીભાઇ પટેલ : રાજકોટ વિકાસનો પર્યાય બન્‍યું : ગુજરાત દેશમાં વિકાસ મોડલ : પ્રદીપ ડવ

રાજકોટ તા. ૪ : રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના  રૂ.૧૪૦ કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં થયા હતા. આ તકે ૬૯૦ આવાસોનો ડ્રો પણ થયો હતો.

વિડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી ભૂપેન્‍દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્‍વમાં વિકાસની નવી પરંપરા ચાલી રહી છે. ત્‍યારે રાજકોટમાં પણ આ શૃંખલા અન્‍વયે કરોડોના  વિકાસકામો થયા છે. કેન્‍દ્રીય બજેટ પણ અમૃત બજેટતરીકે જનસામાન્‍યમાં સ્‍વીકૃત થયું છે જેનાથી લોકકલ્‍યાણના કાર્યો વધુ સુદ્રઢ રીતે થઈ શકશે.

મુખ્‍યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા છેવડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માટે કામ થઈ રહ્યું છે રોટી,કપડાં અને મકાન જેવી માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા ગુજરાતમાં દસ લાખ મકાનો બનાવ્‍યા છે, જેમાંથી સાત લાખ મકાનોની ફાળવણી પણ થઈ ચૂકી છે. રાજકોટમાં પણ આજે અનેક લોકોને ઘરનું ઘર' પ્રાપ્ત થયું છે.

ભૂપેન્‍દ્રભાઇએ વધુમાં કહ્યું હતું કે ભારત વિશ્વની પાંચમી મહાસત્તા બન્‍યુ છે, ત્‍યારે નરેન્‍દ્રભાઇના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં મહત્તમ અર્બન સ્‍માર્ટ સિટી બનાવવાનું રાજય સરકારનું ધ્‍યેય છે. G-20 દ્વારા વૈશ્વિક સ્‍તરે ગુજરાતને પ્રતિષ્ઠા સાપડી છે. શહેરોને પ્રદૂષણમુક્‍ત કરવા પરંપરાગત ઊર્જાના અને ગ્રીન મોબિલીટીનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે. આ માટે રાજકોટ મ.ન.પા. દ્વારા ૧૦૦ જેટલી ઈલેક્‍ટ્રીક બસ કાર્યરત કરાઈ  છે. શહેરના લોકોનું ઇઝ ઓફ લિવિંગ' વધે તે માટે સરકાર કામ કરી રહી છે.

રાજકોટના એ.જી.સોસાયટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના કેન્‍દ્ર સમા રાજકોટ શહેરને સ્‍માર્ટ સિટી બનાવવા માટે રૂ.૧૪૧ કરોડના વિકાસ કામો થઈ રહ્યા છે,ને કેટલાક કામો નજીકના ભવિષ્‍યમાં સાકાર થશે. શહેરને રળિયામણું, સ્‍વચ્‍છ અને સુવિધા યુક્‍ત બનાવવા માટે મ.ન.પા. દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. શહેરમાં આંતરમાળખાકીય સુવિધા વધે તે માટે રાજય અને કેન્‍દ્ર સરકાર પરસ્‍પર સહયોગથી કામ કરી રહી છે.

આ પ્રસંગે સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે મુખ્‍યમંત્રી ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ છે. રાજકોટ મ.ન.પા. અને રૂડા દ્વારા પણ વિકાસની કેડી કંડારીને અનેક નવા પ્રકલ્‍પો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરની સર્વાંગી પ્રગતિ થઈ રહી છે. રાજકોટના અનેક પરિવારોને આજે ઘરનું ઘર' પ્રાપ્ત થયુ છે.

આ તકે મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે રાજકોટની પ્રજાને આજ અનેક વિકાસ કામોની ભેટ મળી રહી છે. શહેરની ટ્રાફિકની સમસ્‍યા હલ થાય તે માટે અનેક ઓવરબ્રીજ બનાવ્‍યા છે. આ તકે સ્‍વાગત પ્રવચન મ્‍યુનિસિપલ કમિશનર  અમિત અરોરાએ કર્યું હતું.

આ અવસરે રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્‍થિતિ રહેલ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે સાંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્‍ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, તથા જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારો, અધિકારીઓ તથા શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ. મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા દ્વારા શાબ્‍દિક સ્‍વાગત તથા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, રાજકોટ શહેર ભાજપ તથા ધારાસભ્‍યો તથા મ્‍યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર દ્વારા કેબિનેટ મંત્રી રાજકોટ જિલ્લાના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી ભાનુબેન બાબરીયાનું પુષ્‍પગુચ્‍છ આપી, સ્‍વાગત કરવામાં આવેલ. લાઈટીંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, આરોગ્‍ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા પુસ્‍તક આપી મહાનુભાવોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.ત્‍યારબાદ કાર્યક્રમના અંતે બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. 

જડુસ બ્રિજ ખુલ્લો મુકાતા રાજયના કેબિનેટ મંત્રીઓ, મેયર, રાજકોટ શહેર પ્રમુખ ધારાસભ્‍ય વગેરે બ્રિજ પરથી ખુલ્લી જીપમાં પસાર થયા હતા

 

શહેરમાં આટલી સુવિધાઓ વધી

*   જડુસ ચોક ઓવરબ્રીજ ખુલ્લો

*   ગેસ આધારિત રૈયા મુક્‍તિધામ

*   ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે

*   ભાવનગર હાઇવેથી અમદાવાદ હાઇવે

*   પોપટપરામાં LIG કેટેગરીના ૧૦૦ આવાસોનો ડ્રો

*   ઇલેકટ્રીક બસ ચાર્જીંગ સ્‍ટેશન તથા ડેપો બનશે

*   રેલનગર મેઇન રોડ પોપટપરા પમ્‍પીંગ સ્‍ટેશનથી

    રેલનગર ESR સુધી બંને સાઇડ ફુટપાથ મઢાશે

 

મનપા - રૂડાના વિકાસકામોના લોકાર્પણ કાર્યક્રમ ઉડતી નજરે...

રાજકોટ : આજે શહેરના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇની વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ તેના નિયત સમય ૧૧ વાગ્‍યા કરતા અડધો કલાક મોડો એટલે ૧૧:૩૦ વાગ્‍યે શરૂ થતા લોકો અકડાયા હતા. ઉપરાંત સભા સ્‍થળે કોર્પોરેટરોની પાંખી હાજરી પણ આંખે ઉડીને વળગી હતી.

ઉપરાંત મેયર પ્રદીપ ડવે રૂા. ૧૪૦ કરોડના વિકાસ કામોનો આંકડો ઉદ્‌બોધનમાં જણાવેલ. જ્‍યારે કમિશનર અમિત અરોરાએ આ કામોનો આંકડો રૂા. ૧૧૪.૯૮ કરોડ ગણાવતા ચર્ચાનો ચકડોળ ચાલવા લાગેલ અને હાજર લોકોમાં પણ સાચા આંકડા અંગે વાતો થવા લાગતા ભારે કુતૂહલ સર્જાયું હતું.

ડાયસ કાર્યક્રમ સ્‍થળની જગ્‍યા નાની જ હતી અને તેમાં પણ લોકો - કાર્યકરો ઉમટતા સ્‍થળ ખરેખર ટુંકુ પડયું હતું. મંડપની બહારની તરફ પણ ખુરશીઓ મુકવા માટે તંત્રએ દોડવું પડયું હતું.

(3:40 pm IST)