રાજકોટ
News of Thursday, 4th February 2021

એક બહેન ડૂબતાં બીજીએ બચાવવા પ્રયાસ કર્યો...પણ બંને આજીડેમમાં ગરકઃ વતન ખાંભા અને ધાવા ગીરમાં અંતિમવિધી

ખાંભા ગીરથી રાજકોટ માંડા ડુંગર પાસે મામાના ઘરે આવેલી રાજલ (ઉ.૧૩) અને મામાની દિકરી સુમી (ઉ.૧૬) સાથે કપડા ધોવા ગયા બાદ રાજલ ન્હાવા જતાં ડુબવા માંડી, બચાવવા જતાં સુમીને પણ કાળ ભેટ્યો

રાજકોટ તા. ૪: માંડા ડુંગર પાસે આજીડેમમાં કપડા ધોવા ગયેલી મામા-ફઇની બે બહેનોને પાણીની ઘાત નડી ગઇ હતી. ૧૩ વર્ષની રાજલ સોમાભાઇ ધનોયા ન્હાવા જતાં ડૂબવા માંડતાં તેના મામાની દિકરી ૧૬ વર્ષની સુમી ભીમાભાઇ ટાપરીયા તેણીને બચાવવા ગઇ હતી. પરંતુ આ પ્રયાસમાં એ પણ પાણીમાં ગરક થઇ ગઇ હતી. બંનેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બંનેની અંતિમવિધી મુળ વતન ધાવા ગીર અને ખાંભા ગીર ખાતે કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ માંડા ડુંગર પાસે રહેતાં ભીમાભાઇ ટાપરીયા પોતાના પિતા દેવશીભાઇનું વતન ધાવા ગીર ખાતે અવસાન થતાં પત્નિ સાથે ત્યાં ગયા હતાં. તેની દિકરી સુમી ટાપરીયા (ઉ.વ.૧૬) ઘર નજીક આજીડેમે કપડા ધોવા માટે ગઇ હતી. સાથે તેના ફઇની દિકરી ખાંભા ગીર (વિસાવદર)થી આવેલી રાજલ સોમાભાઇ ધનોયોા (ઉ.વ.૧૩) પણ ગઇ હતી. છીછરૂ પાણી સમજી રાજલ ન્હાવા માટે આગળ વધી હતી. પણ તે ડૂબવા માંડી હતી. તેને બચાવવા માટે સુમીએ પ્રયાસ કરતાં અને આગળ વધતાં તે પણ ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી.

લોકો ભેગા થઇ જતાં સુમીના ઘરે જાણ થઇ હતી. બંને બહેનોને બહાર કાઢી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ બંનેને તબિબે મૃત જાહેર કરી હતી. સુમી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં પાંચમી હતી. જ્યારે રાજલ બે ભાઇ અને ચાર બહેનમાં બીજી હતી. સુમીના પિતા છુટક મજૂરી કરે છે. જ્યારે રાજલના પિતા પશુપાલન કરે છે. એક તરફ ભીમાભાઇએ પિતા ગુમાવ્યા ત્યાં બીજી તરફ દિકરીનું ડૂબી જતાં મોત નિપજતાં કલ્પાંત સર્જાયો હતો. બંને બહેનોની અંતિમવિધી મુળ વતન ધાવા ગીર અને ખાંભા ગીર ખાતે કરવામાં આવી હતી. આજીડેમના હેડકોન્સ. સવજીભાઇ બાલાસરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:41 am IST)