રાજકોટ
News of Monday, 4th February 2019

મ્યુ. કોર્પોરેશન દ્વારા લોકાર્પણો-ખાતમુહૂર્તોના ઉત્સવનો પ્રારંભઃ ડો. આંબેડકર સ્મારક ભવન સહિતનાં વિકાસકામોની વણઝાર

રૈયા ચોકડી ઓવરબ્રીજનો પ્રારંભ થઇ જશેઃ મોચી બજાર રેનબસેરા શરૂ કરાશેઃ ૬પ૦ આવાસો લાભાર્થીઓને સોંપી દેવાશેઃ મુખ્યમંત્રી સહિતનાં નેતાઓનાં હસ્તે ભૂમિપૂજન અને લોકાર્પણો કરાવવા તડામાર તૈયારીઓ શરૃઃ મેયર બીનાબેન આચાર્યનું માર્ગદર્શન

રાજકોટ તા. ૪ :.. ચાલુ મહીનામાં મ્યુ. કોર્પોરેશન દ્વારા અસંખ્ય વિકાસ કામોનાં લોકાર્પણો અને ખાતમુહૂર્તો થનાર છે. ત્યારે આ મહીનો લોકાર્પણ અને ખાતમુહૂર્તોના ઉત્સવ સમાન બની રહેશે. આ માટે મેયર બીનાબેન આચાર્યનાં માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

આ અંગે મેયર બિનાબેન આચાર્યએ આગામી દિવસોમાં થનાર લોકાર્પણ - ખાતમુહુર્તની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૪ જીલ્લા ગાર્ડન, વાવડી વિસ્તારમાં જી. એસ. આર. આઇ. એસ. આર. પંમ્પીગ સ્ટેશન બનાવવા,  વાવડી વિસ્તારમાં પાણી વિતરણની લાઇન નાખવા સહિત કુલ ૬ર.૭૮ કરોડનાં ખર્ચે કામો હાથ ધરાશે. આ કામોનું આગામી તા. ૧૩ નાં શીક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કામનો પ્રારંભ કરાવશે.

રૈયા બ્રીજ-આવાસ

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડીએ બની રહેલ. ઓવરબ્રીજનું કામ ફેબ્રુઆરીના અંતમાં કામ પુર્ણ થશે. આ બ્રિજનું લોકાર્પણ તેમજ કુવાડવા રોડ, પોપટપરામાં નિર્માણ પામેલ ૬પ૦ આવાસોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

આ ઉપરાંત જીલ્લા ગાર્ડનમાં નિર્માણ પામેલ ડો. આંબેડકરજીનું સ્મારક ભવનનું  લોકાર્પણ મોચી બજારમાં રેનબસેરાનું લોકાર્પણ તેમજ સામાકાંઠે લાયબ્રેરીનું ખાત મુહુર્ત કરવામાં આવનાર હોવાનું મેયરશ્રીએ અંતમાં જણાવ્યું હતું.

(3:51 pm IST)