રાજકોટ
News of Monday, 4th February 2019

૮ મીથી આર્ટ ગેલેરીમાં જુહી પલાણનાં 'ગુલમહોર' આર્ટ એકઝીબીશનનો પ્રારંભ

કુલ પ૧ ચિત્રો રજુ થશેઃ 'મોર્ડન મંડલા' સહિતની શ્રેણીઓ રજુ કરવામાં આવશે : આર્ટ એકઝીબીશન જોવા-માણવા જેવું હશે

 

'અકિલા' કાર્યાલયે આવેલા કુ.જુહી પલાણ તથા તેમના પિતાશ્રી પરાગ પલાણ તસ્વીરમાં દેખાય છે. બાજુમાં તેઓ જે કલા રજુ કરવાના છે તેની ઝલક દેખાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૪: અત્રેના હોનહાર આર્ટીસ્ટ કુ.જુહીબેન પલાણનું આર્ટ એકઝીબીશન તા.૮, ૯, ૧૦ ફેબ્રુઆરીના રોજ અત્રેના શ્યામ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાખવામાં આવેલ છે.

આ એકઝીબીશનનું ઉદઘાટન વરિષ્ઠ ચિત્રકાર શ્રી બળવંતભાઇ જોષીના હસ્તે ૮-ર-ર૦૧૯ના રોજ સાંજે ૪ વાગ્યે ઉદઘાટન થશે. આ પ્રસંગે ડો.એસ.ટી.હેમાણી, ડો.કે.કે.ખખ્ખર અને ફુલછાબના જનરલ મેનેજર નરેન્દ્ર ઝીબા અતિથિ વિશેષ પદે રહેશે. આ એકઝીબીશનને 'ગુલમહોર' નામ અપાયું છે. જે જાણવા અને માણવા જેવું છે.

રાજકોટના નામી કવિ અને સ્વાતંત્ર સેનાની સ્વ.શ્રી જયંતભાઇ પલાણના પૌત્રી કુ. જુહીબેન પલાણનું આગામી તા. ૮-૯-૧૦ ફુબ્રુઆરીના રોજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે કલા પ્રદર્શન યોજવામાં આવેલું  છે. એમ.એ. વિથ ઇંગ્લીશ  લીટરેચરની ડીગ્રી ધરાવતા જુહીબેન એસ.એન.કે. શાળાના આઇ.બી.બોર્ડમાં થીયરી ઓફ નોલેજના શિક્ષીકા રહી ચુકયા છે. નાનપણથી જ કલામાં રૂચી ધરાવતા જુહીબેન હાલ રાજકોટના સુપ્રસિધ્ધ ચિત્રકાર શ્રી બળવંતભાઇ જોશી પાસે કલાની તાલીમ લઇ રહયા છે. આ ઉપરાંત તેઓ એક સેલ્ફ ટોટકેલીગ્રાફર પણ છે અને અલગ-અલગ કલા શૈલીઓ વિશે શિખવા તથા સમજવામાં ઉંડી રૂચી ધરાવે છે.

પોતાના દાદાશ્રીની જેમ જ વસંત ઋતુ જુહીબેનને અતિપ્રિય હોવાથી તેમનું પહેલું કલા પ્રદર્શન વસંત પંચમીના પાવન અવસરે  યોજવામાં આવ્યું છે. પ્રદર્શનના નામ વિશે તેઓ જણાવે છે કે આમ તો કેસુડા જેવા અનેક ફુલો વસંતમાં ફોરમતા હોય છે પણ એમાં ગુલમહોરનું પુષ્પ તેમને સૌથી પ્રિય છે. આ ફુલ સાથે એક બીજી લાગણી પણ જોડાયેલી છે. દાદાશ્રી જયંતભાઇના પહેલા કાવ્ય સંગ્રહનું નામ પણ 'ગુલમહોર' જ હતું. જેમાં કવિશ્રી આ સુંદર પુષ્પને કંઇક આ રીતે વખાણે છે.

'ઉડે છે લાલ ચટક ફેંટો ગુલમહોરનો,નમણી દાડમડીના ચિતડાના ચોરનો'

ગુલમહોર નામના આ પ્રદર્શનમાં કુલ પ૧ ચિત્રો રજુ કરવામાં આવશે. જે બે અલગ-અલગ શૈલીઓમાં તૈયાર કરવામાં આવ્યા છે. પોતાના કલા ગુરૂ પાસેથી શીખેલી ઇન્ડીયન આર્ટની શૈલી ઉપરાંત બૌધ્ધ મંડલા કલા શૈલીથી પ્રેરીત થઇ તેમાં જીયોમેટ્રીક પેટર્નસ અને સીમેટ્રીનો ઉપયોગ કરી મોર્ડન મંડલાસની શ્રેણી રજુ થશે.  પ્રદર્શન શુક્રવાર તા.૮-ર-ર૦૧૯ના રોજ બપોરે ૪ થી રાત્રે ૮ તેમજ તા.૯ અને૧૦-ર-ર૦૧૯ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી રહેશે. (૪.૭)

(3:46 pm IST)