રાજકોટ
News of Saturday, 4th January 2020

પુરાતત્વ અને પી.પી.પંડયાએ કરેલા કાર્યો વિષે આવતા મંગળવારે રાજકોટમાં પરિસંવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈતિહાસ ભવન અને જયાબેન ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજન : આર.એસ.એસ.ના નરેન્દ્રભાઈ દવેના હસ્તે ઉદ્દઘાટનઃ પુરાતત્વજ્ઞાતા- સાહિત્યકાર નરોતમભાઈ પલાણ વકતવ્ય આપશે

રાજકોટ, તા. ૪ : સૌરાષ્ટ યુનિવર્સિટીના ઇતિહાસ ભવન અને શ્રી જયાબેન ફાઉન્ડેશન, રાજકોટના સંયુકત ઉપક્રમે જાણીતા પુરાતત્વવિદશ્રી પી.પી.પંડયાની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક પરિસંવાદનું તા. ૭ જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે સેનેટ હોલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ અને સ્પીપાના લેકચરર શ્રી નરેન્દ્રભાઇ દવેના હસ્તે થનાર છે.

આ પરિસંવાદમાં જાણીતા સાહિત્યકાર, પૂર્વ પ્રિન્સીપાલ અને પુરાતત્વવિદશ્રી નરોત્તમભાઇ પલાણ ''પુરાતત્વ અને શ્રી પી.પી પંડયાએ કરેલા કાર્યો'' વિષય પર સૌને માહિતગાર કરશે.

શ્રી પી.પી પંડયાનો સંક્ષીપ્ત પરિચય

સૌરાષ્ટ્રના જાણીતા પુરાતત્વવિદ શ્રી પુરષોતમ પ્રેમશંકર પંડયા ગુજરાતી પુરાતત્વશાસ્ત્રના અગ્રણી સંશોધક હતા અને સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના વડા હતા. સૌરાષ્ટ રાજ્યનું વિલિનીકરણ મુંબઇ રાજ્યમાં થતાં તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને હાલના ગુજરાત રાજ્ય તથા મુંબઇ વિસ્તારના પુરાતત્વ અને સંગ્રહસ્થાનના વડા બન્યા.

પુરાતત્વવિદ શ્રી પી.પી. પંડયાએ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાત-દિવસ જહેમત ઉઠાવી સઘન સંશોધન કરી સૌરાષ્ટ્રમાં આદિમાનવના અસ્તિત્વથી માંડી પ્રાગઐતિહાસિક, આદ્યઐતિહાસિક અને ઐતિહાસિક સમયની સંસ્કૃતિઓના અવશેષો શોધ્યા. જેમાં હરપ્પીય સંસ્કૃતિ(રોજડી), ઇ.સ. પૂ. ૧૨૦૦ થી છઠ્ઠા સૈકા સુધીના સળંગ ઇતિહાસ (પ્રભાસ પાટણ) અને ૧૮૦૦ વર્ષ પ્રચીન બૌધ્ધ ગુફાઓ (ખંભાલિડા)ની શોધ કરી. રોજડી અને પ્રભાસ પાટણ ખાતે પુરાતત્વીય ઉત્ખનનો કર્યા. આ ઉપરાંત સૌરાષ્ટ્રનો પગપાળા પ્રવાસ કરીને ૨૦૦ ઉપરાંત પ્રાચીન સ્થળોની શોધ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર બાબતે પાશ્ચાત્ય પુરાતત્વવિદોના મતને ખોટો સાબિત કરી દેશના પુરાતત્વના ઇતિહાસમાં સૌરાષ્ટ્રને ગૌરવંતુ સ્થાન અપાવ્યું. આ માટે શ્રી પી.પી. પંડયાએ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને ભારત સરકારશ્રીના પુરાતત્વ વિભાગમાં ઉચ્ચ હોદા અને પગાર સાથે મળેલ નિમણુંકનો અસ્વિકાર કર્યો અને સૌરાષ્ટમાં પોતાનું સંશોધન કાર્ય ચાલુ રાખ્યું.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો, ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રધ્યાપકો, શહેરના પ્રબુધ્ધ નાગરીકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇતિહાસ ભવનના અધ્યક્ષા અને સિન્ડિકેટ સભ્યશ્રી ડો. પ્રફુલ્લાબેન રાવલ તથા શ્રી જયાબેન ફાઉન્ડેશન, રાજકોટના ફાઉન્ડરશ્રી પરેશભાઇ પંડયા (મો. ૯૪૨૯૫ ૭૧૬૬૩) જહેમત ઉઠાવી રહયા છે.

(11:44 am IST)