રાજકોટ
News of Thursday, 4th January 2018

ચીલ ઝડપના ગુનામાં સોની વેપારી સહિત બે આરોપીનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા. ૪ :.. અત્રે યુનિ. રોડ ઉપર બોમ્બે હાઉસીંગ પાસે રહેતા રમાબેન નરેન્દ્રભાઇ મહેતા પોતાના ઘરેથી મંદિરે દર્શન કરવા જતાં હતા ત્યારે પટેલ કન્યા છાત્રાલય પાછળની શેરીમાંથી પસાર થતાં હતા ત્યારે સોનાના ચેઇનની ચીલઝડપ કરવા અંગે પકડાયેલ કેતન કનૈયાલાલ શાહ અને સોનાનો ચેઇન ખરીદનાર સોની ધર્મેન્દ્ર પ્રવિણભાઇ આડેસરા સામેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે તા. ર૭-૭-૦૯ નાં અરસામાં ઘરેથી મંદિરે દર્શન કરવા જતા ત્યારે પટેલ કન્યા છાત્રાલય પાછળ શેરીમાંથી પસાર થતી વખતે કાળા કલરના મોટર સાયકલમાં બે અજાણ્યા માણસોએ ડોકમાં પહેરેલ સોનાનો ચેન તથા ચાંદીની કંઠી જોટ મારી લઇ જતા રહેલ તે મતલબની ફરીયાદ નોંધાવેલ હતી. જેની તપાસ દરમ્યાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અધિકારી શ્રીએ તપાસકરી રોહીત શશીકાંત ચોલેરા, ર. કેતન કનૈયાલાલ શાહ, ૩. તુષાર મુકેશભાઇ, ૪. મુળજીભાઇની ધરપકડ કરવામાં આવેલ જયારે ચોરાયેલ સોનાના દાગીના ખરીદ કરવાના ગુન્હામાં સોની ધર્મેન્દ્ર પ્રવિણભાઇ આડેસરાની ધરપકડ કરવામાં આવેલ અને તમામ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ હતું.

સદરહુ કેસ ચાલવા શરૂ થતા તહો. રોહીત શશીકાંત ચોલેરાનું અવસાન થયેલ  હોય કેસમાંથી એબેટ કરવામાં આવેલ હતો. જયારે અન્ય આરોપીઓ કેતન કનૈયાલાલ શાહ તથા સોની ધર્મેન્દ્ર પ્રવિણભાઇ આડેસરા સામેનો કેસ ચાલતા ફરી. ઉપરાંત પંચોની જુબાની નોંધવામાં આવેલ હતી.

આ કેસ ચાલી જતા તહો. નં. ૩ તુષાર મુકેશભાઇ કેસમાં હાજર ન થતા તેની સામે કેસ ચાલુ રાખવા હુકમ ફરમાવામાં આવેલછે. જયારે સોનું ખરીદનાર સોની વેપારી ધર્મેન્દ્ર પ્રવિણભાઇ આડેસરા અને કેતન શાહ  નિર્દોષ છોડી મુકવાનો આદેશ ફરમાવેલ હતો.

આ કામમાં ત્હો. ધર્મેન્દ્ર પ્રવિણભાઇ આડેસરા વતી ધારાશાસ્ત્રી કૈલાસ સાવંત રોકાયેલા હતાં. આરોપી કેતન વતી એડવોકેટ શ્રી યોગેશ ઉદાણી રોકાયા હતાં.

(4:13 pm IST)