રાજકોટ
News of Thursday, 4th January 2018

પટેલ દંપતીના ચકચારી આપઘાત કેસમાં ચાર વ્યાજખોરોના આગોતરા જામીન રદ

રાજકોટ તા. ૪ : વ્યાજની રકમ વસુલવા પટેલ દંપતિને મરવા મજબુર કરવાના ચકચારી ગુનામાં વ્યાજખોરો આકાશ ભાવેશભાઇ જાદવ, હાર્દિક પરશોતમ, અનવર રજાક માકડીયા અને કિસન રસીક વેકરીયાએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને અધિક સેસન્સ જજ શ્રી ડી.ડી. ઠકકરે નકારી કાઢી હતી.

આ બનાવ અંગે સરધાર ખાતે રહેતી મૃતક દંપતિની પુત્રી રિધ્ધીબેન અધેશીએ ફરીયાદ નોંધાવી હતી ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓના વ્યાજના ત્રાસના કારણે માતા રમિલાબેન મોરડીયા અને પિતા હરેશભાઇ મોરડીયાને તા. ૧૦/૧ર/૧૭ ના રોજ આપઘાત કરવાની ફરજ પડી હતી.

બનાવની વિગત મુજબ મરનાર દંપતીના પુત્રી જુગલકિશોર આરોપીઓ પાસેથી વ્યાજે રકમ લીધી હતી જે રકમની આરોપીઓ દ્વારા વસુલવા પઠાણી ઉઘરાણી કરતા મૃતક દંપતીએ ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો.આ ગુનામાં ઉપરોકત ચારેય આરોપીઓએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરતા સરકારી વકીલની રજુઆતો ધ્યાને લઇને સેસન્સ કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજીને નકારી કાઢી હતી.

આ કામમાં સરકાર પક્ષે ઓ.પી.પી. અનિલભાઇ ગોગીયા, બિનલ રવેશીયા અને રક્ષિત કલોલા રોકાયા હતા.

(4:13 pm IST)