રાજકોટ
News of Thursday, 4th January 2018

હાઈ સિકયોરીટી નંબર પ્લેટ...'નામ બડે દર્શન છોટે' ?!

સરકાર દ્વારા 'ડ્રીમ આરટીઓ પ્રોજેકટ' હેઠળ એફટીએ કંપનીને અપાયેલો કોન્ટ્રેકટ લાંબીલચ્ચ પ્રક્રિયાના કારણે પાટે નહીં ચડતા હવે ડીલરોને કામગીરી સોંપાઈઃ વાહનધારકોની બુરીવલ્લે

રાજકોટ, તા. ૪ :. છેલ્લા કેટલાય મહિનાઓથી હાઈસિકયોરીટી નંબર પ્લેટ વાહનધારકો માટે માથાના દુઃખાવારૂપ બની છે. સરકાર અને અદાલતના હુકમનું પાલન કરવા જતા જાગૃત વાહનધારકોને આર.ટી.ઓ.ની લાંબીલચ્ચ પ્રક્રિયાના કારણે ધક્કા ખાવા પડે છે. એટલું જ નહિં નિયત દરથી વધુ નાણા પણ ખર્ચવા પડે છે. સરકારે 'ડ્રીમ આરટીઓ પ્રોજેકટ' હેઠળ હાથ ધરેલી આ કામગીરી સામે ભૂતકાળમાં પણ અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. એફટીએ કંપનીને આ માટેનો કોન્ટ્રેકટ સોંપવામાં આવ્યો છે. તેમની ગાડી મહિનાઓથી પાટે ચડતી જ ન હોવાનો તાલ સર્જાયો છે. આ વચ્ચે આર.ટી.ઓ. સત્તાવાળાઓ દ્વારા ડીલરોને નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી સોંપવામાં આવતા હવે વાહનધારકો ડીલરો તરફ વળ્યા તો ત્યાં પણ વ્યવસ્થાના અભાવે વાહનધારકોને જ ધક્કા થઈ રહ્યા છે. આ વચ્ચે નિયત દરથી વધુ નાણા વસુલાતા હોવાની ફરીયાદો પણ ઉઠી છે.

ઉપરોકત મુદ્દે આર.ટી.ઓ., ડીલરો અને અન્ય જાણકારોનો સંપર્ક સાધી વિગતો મેળવાતા હાઈસિકયોરીટી નંબર પ્લેટનું 'અગડમ્-બગડમ્' બહાર આવ્યુ છે. એક અગ્રણી ઓટો ડીલરનું મંતવ્ય એવુ થાય છે કે, આ નંબર પ્લેટમાં 'હાઈસિકયોરીટી' જેવુ કશું છે જ નહિં ! કોઈ ઈલેકટ્રોનીકસ ચીપ નથી, માત્ર બારકોડ છે. તો પછી આધારકાર્ડ, આર.સી. બુક અને લાયન્સ સહિતના અન્ય રજીસ્ટ્રેશન પેપર્સ ઓનલાઈન કરાવી નંબર પ્લેટ એપોઈન્ટમેન્ટ મુજબ ફીટ કરી આપવાની લાંબીલચ્ચ પ્રક્રિયાનો મતલબ શું ? ગુજરાતમાં ૨૯ થી ૩૦ લાખ વાહનોમાં હાઈસિકયોરીટી નંબર પ્લેટ લાગવી બાકી છે. આ સંઘ દ્વારકા કયારે પહોંચશે ?

એક માહિતી મુજબ આર.ટી.ઓ.માં ટુ વ્હીલર માટે નંબર પ્લેટના નિયત દર રૂ. ૨૪૫ છે. હવે આ કામ ડીલરોને સોંપાતા ફીટીંગ ચાર્જ સહિત વધારાના ૮૯ રૂ. વસુલવાની છૂટ આપવામાં આવી છે. આમ જોઈએ તો ૩૩૪ - ૩૩૫ રૂ. વસુલી શકાય તેના બદલે સાડા ચારસો - પાંચસો વસુલાય છે. આવી જ રીતે ફોર વ્હીલર માટે ૪૫૦ +... ને બદલે ૮૦૦ થી ૧૦૦૦ રૂ. વસુલાતા હોવાની ફરીયાદો અખબારી કચેરીએ પહોંચી છે.

રાજ્યના તમામ ઓટો ડીલરોને આ નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. તે માટેના મશીનો ડીપોઝીટ વસુલી પુરા પાડવામાં આવ્યા છે પરંતુ મોટા ભાગના ડીલરોને આ કામગીરી 'માથા પડેલી' લાગતી હોવાથી રસ ઓછો છે. આ કારણે વાહનચાલકોની બુરીવલ્લે થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી હાઈસિકયોરીટી નંબર પ્લેટ ગાજી રહી છે. આ માટેનો રાજ્યભરનો કોન્ટ્રેકટ એફટીએ કંપનીને સોંપવામાં આવ્યો છે. આ કંપનીના માણસોને દરેક આર.ટી.ઓ.ની કચેરીમાં જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ કેમેય કરીને નંબર પ્લેટ ફીટ કરાવવાની આ પ્રક્રિયા સરળ બની શકી નથી. કેટલોક ભ્રષ્ટાચાર પણ છાપરે ચડી પોકારી રહ્યો છે. આ વચ્ચે હાઈસિકયોરીટી નંબર પ્લેટમાં 'હાઈસિકયોરીટી સિસ્ટમ' જેવુ કંઈ છે જ નહિં ?! અને ૨૯ લાખ વાહનોમાં આ પ્લેટ કેટલા મહિને લાગશે ? તેવા વેધક પ્રશ્નો સપાટી પર આવ્યા છે.

નંબર પ્લેટના નિયત દરથી અનેકગણો વધુ ચાર્જ વસુલાતો હોવાની બૂમ

એક માહિતી મુજબ આર.ટી.ઓ.માં ટુ વ્હીલર માટે નંબર પ્લેટના નિયત દર રૂ. ૨૪૫ છે. હવે આ કામ ડીલરોને સોંપાતા ફીટીંગ ચાર્જ સહિત વધારાના ૮૯ રૂ. વસુલવાની છૂટ આપવામાં આવી છે. આમ જોઈએ તો ૩૩૪ - ૩૩૫ રૂ. વસુલી શકાય તેના બદલે સાડા ચારસો - પાંચસો વસુલાય છે. આવી જ રીતે ફોર વ્હીલર માટે ૪૫૦ +... ને બદલે ૮૦૦ થી ૧૦૦૦ રૂ. વસુલાતા હોવાની ફરીયાદો અખબારી કચેરીએ પહોંચી છે.

હાઈ સિકયોરીટી નંબર પ્લેટમાં 'એડવાન્સ સિસ્ટમ્સ' જેવુ કંઈ છે જ નહિં ?...

રાજકોટ :. બહુ ગાજેલી હાઈસિકયોરીટી નંબર પ્લેટ ફીટ કરાવવા પાછળ તમામ વાહનોનો ડેટાબેઝ રાષ્ટ્રીય કક્ષાએ એક સોફટવેર હેઠળ આવરી લઈ ચોરી, વાહનોની ગેરકાયદે હેરાફેરી, ગુન્હાખોરી, આતંકવાદ નાથવા સહિતનો વિશાળ ઉદ્દેશ રહેલો છે, પરંતુ આ ઉદ્દેશ્ય સિદ્ધ થવા પાછળ અનેક સમસ્યાઓ નડતરરૂપ બની રહી છે. એક અગ્રગણ્ય ડીલરના કથન મુજબ હાઈસિકયોરીટી પ્લેટમાં એડવાન્સ સિસ્ટમ એટલે કે માઈક્રોચીપ કે ઈલેકટ્રોનીકસ બારકોડ કશુ છે જ નહિ? તો આ પ્રોજેકટ ખરા અર્થમાં યથાર્થ છે કે કેમ ? તેના સામે પ્રશ્ન રહેલો છે.

(4:01 pm IST)