રાજકોટ
News of Thursday, 4th January 2018

૮૦ વર્ષના ડો. એમ. રાજન અને તેમના પૌત્રી રાગિની શંકરે વાયોલીનના સુરથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

ડો. રાજમના વાયોલીન ઉપર છેડાયુ ગાંધીજીનું પ્રિય 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...'

રાજકોટના યુવા કલાકારો પલાશ ધોળકીયા અને નિરજ ધોળકીયાને પણ મંચ પર કલાકારી પિરસવાની તક મળી

રાજકોટ, તા. ૪ : નીયો રાજકોટ ફાઉન્ડેશન અયોજીત શાસ્ત્રીય સંગીતના મેઘધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮' કલા મહોત્સવના ત્રીજા દિવસ ની સાંજ વાયોલીન વાદનને અર્પણ કરાઇ હતી. વાયોલીન વાદનના કલાભિજ્ઞ, પદ્મભૂષણ સુ.શ્રી ડો.એમ.રાજમ અને તેમના પૌત્રી રાગિની શંકરે તેમની કલા થી રાજકોટની કલારસિક જનતાને મંત્ર મુગ્ધ કર્યા. આ સુરીલી સાંજની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરાઇ. ત્રીજા દિવસના પેટ્રન કે.જે.કોટેચા ટ્ર્સ્ટના શ્રી મહેશભાઇ અને દિપ્તીબેનના હસ્તે દિપ પ્રાગટય કરાયુ, તેમા સાથે નીયો રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટરો શ્રીઓ જેમા સર્વે, પરાક્રમસિંહ જાડેજા,  મુકેશભાઇ શેઠ, દિપકભાઇ રિંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરિયા, અને અરવિંદભાઇ પટેલ જોડાયા હતા. બીજા દિવસના અન્ય પેટ્રન ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઇ પટેલ પરિવાર નુ શાબ્દિક અભિવાદન કરાયુ હતુ.

સપ્ત સંગેતિ જેવા મંચનો લાભ રાજકોટની ઉગતી નવોદિત પ્રતિભાઓને મળે તે માટે આ વખતે આયોજકો દ્વારા રાજકોટના કલાકારોને પણ આ વિશ્વ વિખ્યાત કલાકારો વચ્ચે થોડો સમય સ્ટેજ શેર કરવાની તક આપવાનુ સ્તુત્ય આયોજન કરાયુ. આમ કરવા પાછળનો આશય એવો છે કે દેશના યુવાધનને શાસ્ત્રીય સંગીત તરફ લાવી શકાય અને જે કલાકારો આ ક્ષેત્રે કારકિર્દિ બનાવવા માંગે છે તેમને પ્રોત્સાહન અને મોટો મંચ સાંપડે. આ સુરીલી સાંજ ની સફરના પ્રથમચરણ માં રાજકોટના પોતીકા યુવા સ્વરકાર પલાશ ધોળકીયા એ ઘુટાયેલા અને અનુભવી કંઠય સંગીત પેશ કર્યું હતુ. તેની સાથે તબલા પર તેમના મોટા ભાઇ નિરજ ધોળકીયા એ તબલા પર સંગત કરી હતી, જે ખુબ સારા વાદ્ય સંગીતના કલાકાર છે અને તબલા પર ઘણા મોટા કલાકારો સાથે સંગત કરી ચુકયા છે. તેમની સાથે હાર્મોનીયમ પર સંગત કરી હતી, રાજકોટના જાણીતા કલાગુરૂ શ્રી  અનવરઅલી હાજીએ, તેઓ પણ દાયકાઓથી રાજકોટના શાસ્ત્રીય સંગીત વાંચ્છુઓને તાલીમ આપી રહ્યા છે. શ્રી પલાશે તેમના મેઇડન એપીયરન્સ માં કંઠય સંગીતની પોતાની સાધના અને ઉછેરમાં મળેલા વાતાવરણનો જીવંત પરિચય આપ્યો હતો. તેણે રાગ અભોગીમાં 'કા સે કહું મન કી વિપદા' ગાયું હતુ અને શ્રોતાઓની વાહવાહી મેળવી હતી.

કાર્યક્રમના બીજા ચરણ માં વિશ્વપ્રસિદ્ઘ વાયોલિનવાદીકા પદ્મશ્રી, પદ્મભૂષણ ડો.એન. રાજમ અને એમની સાથે એમના પૌત્રી રાગિની શંકરએ પણ પોતાના નામને અને પરિવારની નામનાને સાર્થક કરી હતી. ડો. એમ રાજમ શાસ્ત્રીય સંગીતની દુનિયાના અનોખા કલાકારા છે, તેઓ વાયોલીન વાદનના કલાભિજ્ઞ છે.  પદ્મ ભૂષણ સુ.શ્રી ડો.એમ.રાજમ જે ૮૦ વર્ષની જૈફ વયે સ્ફૂર્તિ અને આટલી મોટી સિદ્ઘિ પછી પણ ખુબ વિનમ્રતા અને સહજતાથી જયારે આંગળીના ટેરવા વાયોલીનના તાર પર ફેરવે છે, ત્યારે દિવ્ય ને અલૌકીક વાતાવરણનુ સર્જન થાય છે. તેમણે 'ગાયકી અંગ'ની રજુઆત થકી શાસ્ત્રીય સંગીત ના વિશ્વમાં નવો આયામ સ્થાપ્યો છે. જે તકનીક દ્વારા વાયોલિન પર સંગીતની ગાયન શૈલી રજૂ કરવામાં આવે છે, એ અન્વેષણ માટે તેમની વિશ્વ આખામાં 'ગાતા વાયોલીન' તરીકે ની ઓળખ પ્રસ્થાપીત થઈ છે. સુ. શ્રી રાગિની શંકર ૪ વર્ષની ઉમરથી તેમના નાનીમાં ડો. એમ. રાજમ પાસેથી વાયોલીન વાદનની તાલીમ મેળવે છે. રાગીની શંકરે ૧૧ વર્ષની નાની વયે ભારત ભવન કલ્ચરલ સેન્ટર ભોપાલ ખાતે તેમનુ પ્રથમ પબ્લીક પર્ફોર્મન્સ આપ્યુ હતુ. ત્યારબાદ તેમણે દ્યણા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પર્ફોર્મન્સ આપ્યા છે અને તેઓ બાંદ્રા બેઝ ઓફ વ્હિસલિંગ વુડસ ની સ્થાપના કાળ થી નવા કલા વાંચ્છુઓને વાયોલીન વાદન શીખવે છે. શાસ્ત્રીય વાદ્યસંગીતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા ઉપરાંત તેણી એ મીકેનિકલ એન્જિીનયરીંગમાં પણ ટોચનો ક્રમાંક હાંસલ કરેલ છે. તેમને તબલા પર સંગત કરી હતી શ્રી અરવિંદ પાઠકે.

પ્રથમ રજુઆત રાગ બાગેશ્રીથી, વિલંબિત ખયાલ માં આલાપ સાથે કરાઈ. બાગેશ્રી પછી અટકીને ડો.એન.રાજમે કહ્યું કે 'હવે જે હું વગાળીશ તે તમે પોતે ઓળખી જશો૩ અને પછી વાયોલિન પર છેડાયું ગાંધીજીનું પ્રિય, 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' રાગ મિશ્ર ખમાજમાં આ રચનાની રજૂઆત કરાઇ અને શ્રોતાઓ તાલીઓના ગડગડાટ વચ્ચે તેમને વધાવી લીધા હતા. ત્યારબાદ રાગ મિશ્ર પહાડીમાં જે રચના વાયોલિન પર રજૂ થઈ એ હતી 'પાયોજી મૈંને રામ રતનધન પાયો', જેમાં શ્રોતાઓ લીન થયા હતા. અને પછી તો છેડાયો રાગ દેશ જેમા મધ્યલયમાં તીનતાલ પર ખુબ સુંદર રજુઆત કરાઇ. ડો.એન.રાજમ અને રાગિની બંનેએ જુગલબંદીમાં અલગ અલગ લયકારી સંભળાવી દર્શકોના મનમોહી લીધા હતા. અંતમાં રાગ ભૈરવીમાં અને તાલ કહેરવામાં રજુઆત કરી કાર્યક્રમ સમાપ્તિ માટે શ્રોતાઓની રજા માંગી, ત્યારે શ્રોતાઓ આજે પણ નહોતા ઇચ્છતા કે કાર્યક્રમનુ સમાપન થાય. શ્રોતાઓની ફરમાઇશ પર ડો.રાજમના ગુરૂજીનું પ્રિય 'જોગી મત જા' રાગ ભૈરવી માં સંભાળાવી, યાદગાર સાંજનું સમાપન કર્યું હતુ. અંતમાં નીયો રાજકોટની પરંપરા મુજબ રાષ્ટ્ર ગાન માટે રાગીણી શંકરના સ્વરમાં અને સહુ શ્રોતાઓએ સાથે મળીને રાષ્ટ્ર ગાન ગાયુ હતુ. દરરોજની માફક અંતમાં અલ્પહાર અને કેસરીયા દુધનો આસ્વાદ માણતા લોકોએ આ સૂરીલી સાંજને વખાણી હતી. 

તા. ૪ જાન્યુઆરી ને ગુરૂવારની સપ્ત સંગીતિની ચોથી સાંજે રાજકોટની જનતાને સુ.શ્રી. શુભા મુદગલ કે જેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉપરાંત પ્રચલિત પોપ સંગીતના જાણીતા કલાકારા છે, તેમની ગાયકીનો લાભ મળશે.

અબ કે સાવન ઐસે બરસે...

સપ્ત સંગીતિના આજે ચોથા દિવસની સાંજે શાસ્ત્રીય સંગીત અને પોપ સંગીતના વિખ્યાત ગાયિકા શુભા મુદગલ જમાવટ કરશે

રાજકોટ : સુ.શ્રી. શુભા મુદગલ કે જેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ઉપરાંત પ્રચલિત પોપ સંગીત ગાયિકા છે, તેમનો જન્મ અલાહબાદના સંગીત ને સમર્પિત પરિવારમાં થયો હતો. શુભા મુદગલ ની શાસ્ત્રીય સંગીતની તાલીમ દેશના ટોચના સંગીતકારો અને સંગીતજ્ઞો દ્વારા પ્રાપ્ત થઈ છે. દેશના જાણીતા વિદ્વાન-સંગીતકાર-કમ્પોઝર પં. રામશ્રેયા ઝા -'રામસંગ' પાસેથી તેમણે તાલીમ લીધી છે. તેમને પં. વિનયચંદ્રા મુદગલીય અને પં.વસંત ઠક્કર પાસેથી પણ માર્ગદર્શન મેળવ્યું છે. ત્યારબાદ તેમણે સ્ટાઇલિશ ટેકનિકસ ની શિક્ષા જાણીતા મેસ્ટ્રો પં. જીતેન્દ્ર અભિષેકી અને પં. કુમાર ગાંધર્વ પાસેથી મેળવી છે. તેમણે ઠુમરીની શિક્ષા શ્રીમતી નયના દેવી પાસેથી મેળવી છે. આટલા ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવી, તેઓ એ બહુમુખી પર્ફોર્મર તરીકેની ચાહના મેળવી છે.

તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખયાલ, ઠુમરી, દાદરા અને પ્રચલિત પાઙ્ખપ સંગીત ના ગાયિકા તરીકે જાણીતા છે. તેઓ સારા ગયીકા ઉપરાંત એક સારા મ્યુઝીક કંપોઝર તરીકે પણ નામના મેળવી છે. તેઓ પોતાના આલબમ 'અબ કે સાવન ઐસે બરસે..' થી ઘણા પ્રસિદ્ઘ થયેલા. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ થી સત્કારવામાં અવ્યા છે. આ ઉપરાંત તેમને ઘણા એવોર્ડઝ મળેલ છે. તેમને સંગીત ક્ષેત્રે સારા પ્રદાન બદલ ૩૪માં શીકાગો ઇન્ટરનેશનલ એવોર્ડ ખાતે ગોલ્ડન પ્લેકયુ એવોર્ડ એનાયત થયો હતો. તે ઉપરાંત તેમને ઉતર પ્રદેશ સરકાર તરફથી યશ ભારતી સન્માન પ્રાપ્ત છે. તેઓ સંગીત શિક્ષાના ઘણા પ્રકલ્પો સાથે જોડાયેલા છે. ભારત સરકારના સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ફોર એજયુકેશનના પૂર્વ સદસ્ય રહી ચુકયા છે. તેઓ એ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ૨૦૦૫ અંતર્ગત, શાળાના મુખ્યપ્રવાહના શિક્ષણમાં કલા શિક્ષણ કાર્યક્રમની આવશ્યકતા વિષય પર અન્વેષણ કરતા ફોકસ ગ્રુપ ના ચેર પર્સન ની જવાબદારી તેમણે બખુબી નીભાવી હતી. તેઓ ગોવા યુનિવર્સીટી માં ટ્રેડિશનલ મ્યુઝીકના વિઝીટીંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.

શુભ મુદગલ ની સાથે તબલા પર સંગત કરશે, અનેશ પ્રધાન. તેઓ તબલા મેસ્ટ્રો પં. નિખિલ ઘોષના શિષ્ય છે. શુભા મુદગલ અને અનેશ પ્રધાને સાથે મળીને ઓન લાઈન મ્યુઝીકના વિતરણ માટે એક વેબસાઇટ સ્થાપી છે, જે ભારતીય સંગીતના વિવિધ સ્વરૂપોમાં વિશેષતા ધરાવતા સંગીતકારો ને મંચ પુરો પાડે છે. તેમને હારમોનીયમ પર સંગત કરે છે, સુધીર નાયક. તેઓ વરીષ્ઠ હારમોનીયમ વાદક પં. તુલસીદાસ બોડકરના સાગિર્દ છે. તેઓ એ પણ પં. જીતેન્દ્ર અભિષેકી પાસેથી માર્ગદર્શન મેળવેલ છે. તેઓ વાર્ષિક કલા કોસ્ટ સંગીત સમારોહના આયોજકો પૈકીના છે અને મુંબઈમાં  વિલેજ મ્યુઝીક કલ્બ પણ ચલાવે છે.

આ ત્રણેય કલાકારો તા. ૪ જાન્યુઆરીના રોજ રાજકોટના મહેમાન બનશે અને સપ્ત સંગીતિના માધ્યમથી રાજકોટની શાસ્ત્રીય કલામાં અભિરૂચી ધરાવતા શ્રોતાઓને તેમની ગાયકી અને સંગીત થી રસતરબોળ કરશે.

(3:41 pm IST)