રાજકોટ
News of Thursday, 4th January 2018

અઘોરીઓનું પરાક્રમ?

પ્રદ્યુમન પાર્ક ઝુમાંથી ઘુવડો ગાયબઃ તાંત્રિકવિધિની શંકા

'ઝુ'ના પ્રાણીઓ - પક્ષીઓની સુરક્ષા સામે ગંભીર સવાલોઃ ઘુવડો કોણ ચોરી ગયા? ભારે ચર્ચા

ઘુવડ કયાં ? : પ્રદ્યુમન પાર્ક ઝુ માંથી 'ઘુવડ' ગુમ થવાનો મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે સ્થળ તપાસ કરી હતી તે તસ્વીરમાં નજરે પડે છે. બાજુની તસ્વીરમાં ખાલી પડેલું અને તૂટેલું ઘુવડનું પીંજરૂ દર્શાય છે. ઇન્સેટમાં 'ઘુવડ' પક્ષીની ફાઇલ તસ્વીર દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪ : મ્યુ. કોર્પોરેશનના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાંથી ઘુવડોની ચોરી થયાની સનસનાટી ભરી વિગતો ખુલતા આ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી - પક્ષીઓની સલામતી સામે ગંભીર સવાલો ખડા થયા છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પ્રદ્યુમન પાર્ક ઝુમાં રહેલા ઘુવડના પીંજરાને તોડીને કોઇ ઘુવડોની ચોરી કરી ગયાની સનસનાટી પૂર્ણ વિગતો ખુલી હતી.

સવારે ઘુવડનું પીંજરૂ તૂટેલી હાલતમાં હતુ અને તેમાંથી ઘુવડો ગાયબ જોવા મળતા 'ઝુ'નો સ્ટાફ ધંધે લાગ્યો હતો.

દરમિયાન આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે પણ સ્થળ પર જઇ તપાસ શરૂ કરી હતી.

નોંધનિય છે કે, ઘુવડ પક્ષ તાંત્રિકવિધિ માટે અત્યંત ઉપયોગી થાય છે. આથી કોઇ અઘોરીઓ આ ઘુવડને તાંત્રિકવિધિ માટે ચોરી ગયાની શંકા મજબૂત બની છે.

જોકે પીંજરૂ તૂટેલું અગાઉથી હોય અને ઘુવડો ઉડી ગયા હોય તેવી પણ શંકા દર્શાવાઇ રહી છે. ઘુવડ ગાયબ થવાનું કારણ જે પણ હોય આ બાબત પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરે છે એટલું જ નહી તંત્રની ઘોર બેદરકારી સમાન આ ઘટના અંગે જવાબદારો સામે પગલા લેવાય તેવી પણ શકયતા છે. નોંધનિય છે કે, પીંજરામાં ૨ થી ૩ ઘુવડો હતા તે તમામ ગાયબ જોવા મળેલ.(૨૧.૨૯)

'ઝુ' સુપ્રિટેન્ડન્ટ ડો. હીરપરા કહે છે 'ઘુવડ'ની ચોરી નથી થઇ છતાં પોલીસ તપાસ શરૂ

રાજકોટ તા. ૪ : શહેરના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાંથી ઘુવડોની ચોરી થઇ જવા અંગે 'અકિલા'એ ઝુ સુપ્રિટેન્ડન્ટ ડો. હીરપરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, 'પીંજરા'માં બે ઘુવડ બેઠા છે. કોઇ ચોરી નથી ગયુ પરંતુ સ્થળ પર પીંજરૂ તૂટેલું અને ઘુવડો ગાયબ હોવાનું જોવા મળેલ.

આ દરમિયાન પોલીસ પણ તપાસ માટે સ્થળ ઉપર પહોંચી હતી. આમ, આ સમગ્ર ઘટનામાં ઘુવડો રહસ્યમય રીતે ગાયબ થયાની ચર્ચાએ જોર પકડયું હતું.

(2:59 pm IST)