રાજકોટ
News of Thursday, 4th January 2018

૩.૩૦ લાખનો વિદેશી દારૂ ભરેલી યુટીલીટી ઝડપાઇઃ હુશેન ઉર્ફ શાહરૂખ અને મહમદહુશેન ઉર્ફ મમુ ફરાર

દૂધ સાગર રોડ પર રાત્રે પોણા બે વાગ્યે થોરાળા પોલીસનો દરોડોઃ આ બંને શખ્સો અગાઉ ફાયરીંગના ગુનામાં સંડોવાઇ ચુકયા છેઃ કુલ ૭.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પીએસઆઇ જાદવ અને એએસઆઇ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૪: થોરાળા પોલીસે મોડી રાત્રે પોણા બે વાગ્યે દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટર પાસે અલી અસગર ચોક પાણીના ટાંકા પાસે દરોડો પાડતાં બે શખ્સો રૂ. ૩,૩૦,૦૦૦નો ૯૨૭ બોટલ દારૂ ભરેલી યુટીલીટી મુકી ભાગી જતાં દારૂ તથા વાહન મળી કુલ રૂ. ૭,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, એસીપી બી. બી. રાઠોડની સુચના અને થોરાળા પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરી હેઠળ પ્રો. પી.એસ.આઇ. પી.ડી. જાદવ, પ્રો. એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, કોન્સ. ભરતસિંહ પરમાર, નારણભાઇ મૈયાભાઇ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે ત્યારે પીએસઆઇ જાદવ અને એએસઆઇ જાડેજાને બાતમી મળી હતી કે ગુ.હા. બોર્ડ અલી અસગર ચોકમાં બે શખ્સો દારૂ ભરેલી ગાડી લઇને આવ્યા છે.

બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં  ગુ.હા. બોર્ડ સંજરી સિલેકશનવાળી શેરીમાં રહેતો હુશેન ઉર્ફ શાહરૂખ રસુલભાઇ સિપાહી અને આ વિસ્તારનો જ મહમદહુશેન ઉર્ફ મમુ જહાંગીર મકરાણી યુટીલીટી નં. જીજે૩એઝેડ-૪૪૯૭ રેઢુ મુકી ભાગી ગયા હતાં. આ બંને અગાઉ થોરાળા વિસ્તારમાં ફાયરીંગના ગુનામાં પકડાઇ ચુકયા હોઇ પોલીસ તેને ઓળખી ગઇ હતી.

વાહનમાંથી જુદી-જુદી બ્રાંડનો રૂ. ૩ લાખ ૩૦ હજારનો ૯૨૭ બોટલ દારૂ મળતાં કબ્જે કરી ભાગી ગયેલા બંનેની શોધખોળ હાથ ધરી છે. તસ્વીરમાં દરોડો પાડનાર ટીમ, યુટીલીટી અને જપ્ત થયેલો દારૂ જોઇ શકાય છે.

(11:31 am IST)