રાજકોટ
News of Wednesday, 3rd January 2018

આ પણ સ્વચ્છાગ્રહમાં જરૂરી

બિનવારસુ- ભંગાર વાહનોનું ન્યુ સન્સ દુર થશે?

વાહનો ચોરી કરી ગુન્હામાં ઉપયોગ કર્યા બાદ રેઢા મૂકી દેવાતા : હોવાની ફરિયાદોઃ તંત્ર ઉઘાડી આંખે જોવે છે છતાં પરિસ્થિતિ જૈસે થે

શહેરમાં રેઢિયાળ વાહનોનું ન્યુ સન્સ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩ : શહેરમાં તંત્રવાહકો દ્વારા 'સ્વચ્છાગ્રહ' ઝુંબેશ શરૂ કરાઇ છે અને શહેરને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે. મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓએ ન્યુ સન્સ પોઇન્ટ નાબુદ કરવા ઝુંબેશ શરૂ કરી છે ત્યારે શહેરના અનેક રાજમાર્ગો, જાહેર મેદાનો, શેરી, ગલીઓમાં બિનવારસુ, ભંગાર હાલતમાં પડેલા વાહનોનું ન્યુ સન્સ પણ દુર થાય તે જરૂરી છે. કેમકે આવા ભંગાર વાહનોની આસપાસ જ કચરાના ગંજ જામવા લાગે છે.

લોકોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ શહેરના અનેક સ્થળોએ સ્કુટર, મોટરકાર, રિક્ષા જેવા ભંગાર અને બિનવારસુ વાહનો પડતર હાલતમાં છે.

આવા વાહનોનું રસ્તામાં દબાણ થાય છે તેથી ટ્રાફિકની સમસ્યાતો સર્જાય છે. સાથોસાથ ગંદકી પણ ફેલાય છે.

લોકોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ આવા પડતર વાહનોમાં મોટાભાગે અન્ય શહેર - રાજ્યોની નંબર પ્લેટ જોવા મળે છે. જેથી વાહન ચોરીને તેનો ગુન્હામાં ઉપયોગ કરીને રેઢા મુકી દેવાતા હોવાની શંકા જાગે છે. જો કે કેટલાક કિસ્સામાં સાવ ખખડધજ વાહનો ખુદ માલીક દ્વારા જ જાહેરમાં રેઢા મુકી દેવાતા હોવાનું પણ જોવા મળે છે.

આમ, બિનવારસુ અને રેઢા વાહનોનો ન્યુ સન્સ દુર કરવા આર.ટી.ઓ., પોલીસ, મ્યુ. કોર્પોરેશન ત્રણેય વહીવટી તંત્રએ સંયુકત ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ થાય તે જરૂરી છે. આ ઝુંબેશથી વાહન ચોરી સહિતના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં પણ પોલીસ તંત્રને સરળતા મળશે. સાથોસાથ શહેરમાંથી દબાણો - ન્યુ સન્સ પોઇન્ટ પણ દુર થશે. નોંધનિય છે કે, વર્ષો અગાઉ મ્યુ. કોર્પોરેશન દ્વારા આવા રેઢીયાળ વાહનો જપ્ત કરવાની કાર્યવાહી થઇ હતી.(૨૧.૨૧)

(4:02 pm IST)