રાજકોટ
News of Wednesday, 3rd January 2018

કુંભાર વૃધ્ધાની ફલોર મીલ પચાવી પાડવાના ગુન્હામાં બુટલેગર પ્રતિક અને રાજુની ધરપકડ

ન્યુ શકિત હાઉસીંગ સોસાયટીમાં પ્રતિકે દુકાન ખાલી કરવાની ધમકી આપી'તી

રાજકોટ તા. ૩ :.. મોરબી રોડ શકિત પાર્કમાં રહેતા કુંભાર વૃધ્ધાની ન્યુ શકિત સોસાયટીમાં આવેલ ફલોર મીલ ખાલી કરવા માટે ધમકી આપનાર નામચીન બુટલેગર સહિત બે ની બી. ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલી શકિત પાર્ક શેરી નં. ૭ માં રહેતા કુંભાર વૃધ્ધા મુકતાબેન મનસુખભાઇ મુળીયા (ઉ.૬પ) ની મોરબી રોડ જકાતનાકા પાસે ન્યુ શકિત સોસાયટીમાં આવેલ  ફલોર મીલ પચાવી પાડવાના ઇરાદે ગત તા. ૧પ-૧૧ ના રોજ નામચીન બુટલેગર પ્રતિક ચંદારાણા, કાનો નથુ ભરવાડ, અને રાજુ બાવાજી ત્રણેય  શખ્સોએ કુંભાર વૃધ્ધાને ફલોર મીલ ખાલી કરી જતા રહેવાનું કહી ગાળો  આપી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનને તાળા મારી દીધા હતાં. આ બનાવ અંગે કુંભાર વૃધ્ધા મુકાતાબેન મુળીયાએ બી. ડીવજિન પોલીસ  મથકમાં ફરીયાદ નોંધાવતા ડી સ્ટાફના પીએસઆઇ આર. એસ. પટેલ તથા એ. એસ. આઇ. મહેશગીરી, અજીતભાઇ લોખીલ, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ, મહેશભાઇ તથા શૈલેષભાઇએ ગઇકાલે સંત કબીર રોડ ભગીરથ સોસાયટી શેરી નં. ૭ માં રહેતો બુટલેગર પ્રતિક દીલીપ ચંદારાણા (ઉ.રપ) અને ન્યુ શકિત સોસાયટી શેરી નં. ૪ માં રહેતો રાજુ બચુ ગોસ્વામી  (ઉ.૩૮) ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પ્રતિક ચંદારાણા અગાઉ  દારૂ તથા  પોલીસમેન ઉપર છરીથી હૂમલો કરવાના ગુન્હામાં પકડાઇ ચુકયો છે.

(3:54 pm IST)