રાજકોટ
News of Wednesday, 3rd January 2018

યાદ પિયા કી આયે... આઓગે જબ તુમ સાજના... એરી સખી પિયા ઘર આયે...

ઉસ્તાદ રાશિદ ખાને સંગીત રસીયાઓને રિયાઝી કંઠથી આનંદ આપ્યો :હેમુ ગઢવીના મુખ્ય અને મીની ઓડિટોરીયમો હાઉસફુલ થઈ જતા, સંગીતના શોખીનોએ પગથીયા પર બેસી કાર્યક્રમ માણ્યો

રાજકોટ, તા. ૩ : નીયો રાજકોટ ફાઉન્ડેશન અયોજીત શાસ્ત્રીય સંગીતના મેઘધનુષ્ય સમાન 'સપ્ત સંગીતિ ૨૦૧૮' કલા મહોત્સવના ગઈકાલે બીજા દિવસે શાસ્ત્રીય કંઠય સંગીતના ખુબ મોટા ગજાના ગાયક પદ્મશ્રી ઉસ્તાદ રાશિદ ખાને રાજકોટના શાસ્ત્રીય સંગીત ના રસિયાઓને રિયાઝી કંઠથી આકંઠ આનંદ આપ્યો. આ સુરીલી સાંજ ની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરાઇ. બીજા દિવસના પેટ્રન એકજે ઇન્ડસ્ટ્રી પરિવારના શ્રી વિનોદભાઇ દોશી, દેવેન્દ્ર ભાઇ દોશી, પારસભાઇ દોશી અને નીયો રાજકોટના ડિરેકટરોશ્રીઓ જેમા સર્વેશ્રી પરાક્રમસિંહ જાડેજા, મુકેશભાઇ શેઠ, દિપકભાઇ રિંડાણી, વિક્રમભાઇ સંઘાણી, હિરેનભાઇ સોઢા, અતુલભાઇ કાલરિયા, અને અરવિંદભાઇ પટેલ જોડાયા હતા. ઇવેન્ટના કો-પેટ્રન ડો. ગદ્રે પણ કાર્યક્રમમાં ઉપસ્થીત રહ્યા હતા.

સપ્ત સંગીતિ ૨૦૧૮ ના બીજા દિવસના કલાકાર ઉસ્તાદ રાશિદ ખાન, ભારતીય શાસ્ત્રીય ગાયનના ખુબ મોટા ગજાના ગાયક છે. તેઓ રામપુર સાહસ્વાન ઘરાનાના સ્થાપક ઉસ્તાદ ઇનાયત હુસેન ખાન સાહેબના પ્રપૌત્ર છે. તેમને સંગીતની શરૂઆતી તાલીમ તેમના દાદાના ભાઇ ઉસ્તાદ નિસ્સાર હુસેન ખાન સાહેબ પાસે તેમના શહેરમાં જ મેળવી હતી અને ત્યાર બાદ તેઓ કલકતા સ્થીત સંગીત રિસર્ચ એકેડમી ખાતે તેમનો આગળનો અભ્યાસ કર્યો હતો. તેમણે ફકત ૧૧ વર્ષની ઉમરે તેમનુ પ્રથમ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. તેઓ પદ્મ શ્રી એવોર્ડ, સંગીત નાટય અકાદમી એવોર્ડ, ગ્લોબલ ઇન્ડીયન મ્યુઝીક એવોર્ડ, મહા સંગીત સમ્માન એવોર્ડ ઉપરાંત ઘણા પુરસ્કારોથી સન્માનીત છે. તેમની સાથે હારમોનીયમ પર અજય જોગલેકર, કે જેઓ શ્રી તુલસીદાસ બોડકરના શિષ્ય છે અને ઉ.જાકીર હુસેન અને પં.જસરાજજી સાથે પણ પર્ફોમ કરી ચુકયા છે. તબલા પર સંગત કરી હતી શ્રી સુધાકર બેનર્જીએ, જેઓ એ પં.રવિશંકર સાથે પણ સંગત કરી છે. તેમને સ્વર પર સંગત કરી હતી, શ્રી ઓમ બોંગલે એ. રાજકોટની ઉભરતી કલાકારા કુ. ધ્વનિ વચ્છરાજાની ને તાનપુરા સંગત કરવાની તક સાંપડી હતી, જે રાજકોટ માટે ગર્વ ની બાબત હતી. ઉ. રાશિદ ખાન તેમની ભાવનાત્મક અભિવ્યકિત અને પ્રભાવશીલ તકનીક વડે રૂહ થી રૂહ સુધી પહોંચવામાં માહીર છે. તેમણે રાજકોટની પ્રથમ મુલાકાતની સાંજની શરૂઆત રાગ પુરીયા કલ્યાણ થી કરી અને એમાં 'આજ સો બન' રચના વિલંબિત તીનતાલમાં ગાઇ ભાવકોને અભિભૂત કર્યા. પછીની બંદિશ 'જબ ગયે પીયા પરદેશ' રાગ માલતીમાં, રૂપક તાલ અને મધ્યલયમાં રજુ કરી. બંને રાગમાં આલાપ, બોલ, સરગમ, તાન અને લયકકારી દ્વારા એમણે તેમના રિયાઝી કંઠ અને સંગીત ઉપાસનાનો પરિચય આપ્યો હતો.

ત્યારબાદ તેમણે પં.બડે ગુલામઅલી ખાં ની સ્વર રચના 'યાદ પીયાકી આયે' ઠુમરી ને ભિન્ન ષડજ માં રજુ કરી, ભાવકોની વાહ વાહી મેળવી હતી. શ્રોતાઓની ફરમાઇશ પર તેમણે તેમની જબ વી મેટ ફીલ્મની ખુબ પ્રસિદ્ધિ પામેલ ગીત 'આઓગે જબ તુમ સાજના' રાગ તીલક કામોદમાં સુરોની હરકતો સાથે રજુ કર્યું હતુ. ત્યારબાદ 'એરી સખી પીયા ઘર આયે'  રાગ યમન માં રજુ કરાઇ. અંતમાં તેમના સ્વરમાં રાષ્ટ્ર ગીત ના ગાનથી વાતાવરણ અલૌકીક બન્યુ હતુ. ઉ.રાશિદ ખાન લાંબી અને થકાવનારી હવાઇ મુસાફરી કરી આવ્યા હોવા છતા, રાજકોટના શ્રોતાઓની ફરમાઇશો પુરી કરી, રાજકોટવાસીઓના દિલ જીતી લીધા હતા.

આ કાર્યક્રમને માણવા માટે ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. હેમુ ગઢવી ઓડિટોરીયમનો મુખ્ય હોલ કે જેમા કાર્યક્રમ યોજાયો હતો, અને મીની હોલમાં વિશાળ સ્ક્રીન પર લાઇવ ટેલીકાસ્ટ  કરાતુ હતુ, તે બન્ને હોલ ફુલ થઈ જતા, સંગીત રસિયાઓ મુખ્ય હોલના પગથીયા પર ગોઠવાઇ, આ અદભૂત કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમના અંતમાં અલ્પહાર લઈ ભાવકોએ આ સુર-સંગમની સાંજની અવિસ્મરણીય પળો વાગોળી હતી.

તા. ૩ જાન્યુઆરીને બુધવારની સપ્ત સંગીતિની ત્રીજી સાંજે રાજકોટની જનતાને વાયોલીન વાદનના કલાભિજ્ઞ, પદ્મભૂષણ સુ.શ્રી ડો.એમ.રાજમના વાયોલીન વાદનમાં તરબોળ થવાની તક સાંપડવાની છે.

આજે દિવસ-૩ના કલાકારનો ટૂંકો પરિચય

પદ્મભૂષણ ડો. એમ. રાજનની આંગળીના ટેરવા વાયોલીનના તાર પર ફરે ત્યારે અલૌકિક વાતાવરણ સર્જાય છે

૯ વર્ષની વયે રેડીયો પર સૌપ્રથમ કાર્યક્રમ આપેલો : સંગીતની કોલેજના ડીન તરીકે ૪૦ વર્ષ સેવા આપેલી : અનેક એવોર્ડ મેળવ્યા

ડો. એમ રાજમ શાસ્ત્રીય સંગીતની દુનિયાના અનોખા કલાકારા છે, તેઓ વાયોલીન વાદનના કલાભિજ્ઞ છે.  પદ્મ ભૂષણ સુ.શ્રી ડો.એમ.રાજમ ની આંગળીના ટેરવા જયારે વાયોલીનના તાર પર ફરે છે ત્યારે દિવ્ય ને અલૌકીક વાતાવરણ સર્જાય છે. તેમણે 'ગાયકી અંગ'ની રજુઆત થકી શાસ્ત્રીય સંગીત ના વિશ્વમાં નવો આયામ સ્થાપ્યો છે. જે તકનીક દ્વારા વાયોલિન પર સંગીતની ગાયન શૈલી રજૂ કરવામાં આવે છે, એ અન્વેષણ માટે તેમની વિશ્વ આખામાં 'ગાતા વાયોલીન' તરીકેની ઓળખ પ્રસ્થાપીત થઈ છે. તેઓનો જન્મ કેરળના પારંપરીક સંગીતકારોના પરિવાર માં થયો હતો. તેમણે ખુબ નાની ઉમરમા કર્ણાટકી સંગીત આત્મસાધ કર્યા બાદ આગળ જતા હિન્દુસ્તાની સંગીતમાં પારંગતતા કેળવી, ગાયકી અંગ થકી તેમની પ્રતિભાથી વિશ્વને અવગત કર્યું છે.

તેમણે ઘણા બધા મોટા ગજાના સંગીત સમારોહમાં પર્ફોર્મ કર્યું છે, અને વિશ્વ ભરના કલાપ્રેમીઓની ચાહના મેળવી છે. તેઓએ ૯ વર્ષની ઉમરે ઓલ ઇન્ડીયા રેડીયો પર પ્રથમ રજુઆત કરી હતી. તેઓ સારા શાસ્ત્રીય વાયોલીન વાદક હોવા ઉપરાંત, તેઓ બનારસ હિન્દુ યુનિવર્સીટીના સંગીતના પ્રોફેસરથી શરૂ કરેલ સફરમાં, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પર્ફોમીંગ આર્ટસ ફેકલ્ટીના ડીન તરીકે ૪૦ વર્ષ સુધી સેવાઓ આપી સેવા નિવૃત થયા છે, જે માટે તેમને 'એમેરિટસ (સન્માનપૂર્વક નિવૃત્ત્।) પ્રોફેસર' તરીકેનુ બહુમાન પ્રાપ્ત છે. તેમને સંગીત નાટક અકાદમી એવોર્ડ સહીતના ઘણા એવોર્ડસ થી સત્કારવામાં આવ્યા છે, તેમને ભારતમાં નાગરિક સન્માનના સૌથી ઉંચ્ચ પ્રતિષ્ઠાઓમાંના,  પદ્મશ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયા છે.

રાગીની શંકર

ડો.એમ.રાજમના પુત્રી ડો.સંગીતા શંકર પણ ઉચ્ચ દરજજાના વાયોલીનવાદક છે. ડો.સંગીતા શંકર ની બન્ને દિકરીઓ, રાગીની શંકર અને નંદીની શંકર પણ વાયોલીન વાદનમાં વિશ્વ ખ્યાતી ધરાવે છે. રાગીની શંકર ૪ વર્ષની ઉમરથી તેમના નાનીમાં ડો. એમ. રાજમ પાસેથી વાયોલીન વાદનની તાલીમ મેળવે છે. રાગીની શંકરે ૧૧ વર્ષની નાની વયે ભારત ભવન કલ્ચરલ સેન્ટર ભોપાલ ખાતે તેમનુ પ્રથમ પબ્લીક પર્ફોર્મન્સ આપ્યુ હતુ. ત્યારબાદ તેમણે ઘણા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પર્ફોર્મન્સ આપ્યા છે અને તેઓ બાંદ્રા બેઝ ઓફ વ્હિસલિંગ વુડસ ની સ્થાપના કાળથી નવા કલા વાંચ્છુઓને વાયોલીન વાદન શીખવે છે. શાસ્ત્રીય વાદ્યસંગીતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા ઉપરાંત તેણી એ મીકેનિકલ એન્જિીનયરીંગમાં પણ ટોચનો ક્રમાંક હાંસલ કરેલ છે.

તા. ૩ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ રાજકોટના હેમુ ગઢવી ઓડીટોરીયમ માં ચલતા સંગીત સમારોહ 'સપ્ત સંગીતિ'ના ત્રીજા દિવસે રાજકોટની જનતા ને તેમના વાયોલીન વાદન માં તરબોળ થવાની તક સાંપડવાની છે.

આઓગે જબ તુમ ઓ સાજના અંગના ફુલ ખિલેંગે...

રાગ પૂર્યા કલ્યાણ, માલંતી અને મિશ્ર રાગમાં ઠુમરીની અલૌકિક પ્રસ્તુતી : શ્રોતાઓની ફરમાઇશી હઠ ને સૂરિલા કંઠથી પૂર્ણ કરી

રાજકોટ  : નિયો ફાઉન્ડેશન આઓજીત સપ્ત સંગીતિની દ્વિતીય રાત્રિ જાણે સૂર અમૃત પીવાની અને પીવડાવવાની રાત બની ગઇ. સૂર સાધનાના પરમ ઉપાસક પદ્મશ્રી ઉસ્તાદ રાશિદ ખાને કંઠ્યગાયન પ્રસ્તુત કરી શ્રોતાઓને ગુલતાન કરી દીધા. આગવી શૈલીના મીઠા મધુર અવાજના માલિક રાશિદ ખાનને ગાવાની જરૂર પડતી નથી, આપમેળે આત્મસ્થ થઇ જવાય તેવું એમનાથી ગવાઇ જાય છે. ભાવનાથી નીતરતા શબ્દો...સ્વૈરવિહાર કરતા સૂર...બંદિશના બોલને શ્વર સાથેના લાડ...સૂરનો, સંગીતનો પમરાટ..ખુશ્બુ...ભાવ અને રસનો સમન્વય એટલે રામપુર સવાસન ઘરાનાના ઉસ્તાદ રાશિદ ખાન.

સંગીતિ સભાની શરૂઆત તેમણે રાગ પૂર્યા કલ્યાણથી કરી. 'આજ શો બન લાડ લડાવે..'ની બંદિશ વિલંબીત તીનતાલના ઠેકા સાથે રજુ કરી. પૂર્યા કલ્યાણમાં પંચમથી (પ)થી ષડજ (સા) મધ્ય સપ્તકમાં પૂર્યા અને તીવ્ર મધ્યમ (મ)થી તાર સપ્તકના સા સુધી યમન.. આ બંનેના સંયોજનથી સંપૂર્ણ જાતીનો મીઠો રાગ બને છે. રાશિદ ખાને વિલંબીત ખ્યાલમાં આલાપ, બોલ આલાપ, સરગમ અને તાન સદભૂત લયકારી સાથે પ્રસ્તુત કરી ત્યારે ઓડિટોરીયમમાં સૂરોનું સામ્રાજય છવા ગયું. મધ્ય લય તિનતાલમાં બંદિશ 'બહોત દિન બિતે, અજ હુંના આયે શ્યામ' તાન, સરગમ અને આકાર તેમજ મંદ્ર શ્વરમાં ઘેરાવ, લયકારી સાથે વહેતી કરી...આહાહા.. જાણે વાતાવરણ શ્વરોની સુવાસથી મહેકી ઉઠ્યું તેવો આભાસ થયો..

સભાના મધ્ય ચરણમાં લબ્ધપ્રતિષ્ઠિત ગાયક રાશિદ ખાને રાગ માલંતી છેડ્યો. મલમલી અવાજમાં આલાપ, સરગમ સાથે ગમક, ખટકા અમે મુરકીની કર્ણ મધુર રસાત્મક પ્રસ્તુતીએ લોકોમાં જાદુઇ અસર જન્માવી. મીશ્ર રાગમાં 'યાદ પિયા કી આયે.. હાયે રામ.. બાલી ઉંમરિયા સુનરી સજરિયા.. દો પલ બીત હી જાયે..બૈરી કોયલિયા કૂક સુનાવે... પિયુ બીન રહા ના જાયે...' ઠુમરીની આહલાદક પ્રસ્તુતી કરતાં જ રોમેન્ટિઝમનો માહોલ રચાયો. તબલા પર સાથ આપતા શુભાંકર બેમર્જીએ તાલ કહેરવામાં લગ્ગી વગાડી ઓકોના દીલ લગી પહોંચવામાં સફળતા મેળવી. અવાજની મજબૂત લગાવટ અને શ્વરોની સચોટતાએ ઉસ્તાદના રિયાઝી ગળાનો પરીચય કરાવ્યો.

છેક કોલકત્ત્।ાથી રાજકોટ પધારેલા ઉસ્તાદ રાશિદ ખાને સભા સમાપ્તી માટે પરવાનગી માંગી પણ રાજકોટની સંગીત ભોગી જનતાએ ફરમાઇશી હઠ કરી અને તેને ઉસ્તાદે તેમની પ્રખ્યાત ફિલ્મ 'જબ વી મેટ'ની ઉપશાસ્ત્રીય રચના 'આવો ગે જબ તુમ ઓ સાજના' કે જે રાગ તીલક કાઓદ પર છે રજુ કરતા જ શ્રોતાઓ આફરીન થઇ ગયા. કડકડતી ઠંડીમાં તાળીઓના ગુંજારવે માહોલમાં ગરમાટો લાવી દીધો. ત્યાર બાદ અંતમાં ઉપશાસ્ત્રીય સંગીતની બીજી રચના 'એરી સખી મેરે પિયા ઘર આયે..' મિશ્ર રાગમાં વહેતી મૂકી તેમની શ્વર સાધના, કલા સાધનાને પ્રગટ કરી હતી. હાર્મોનિયમ પર અજય જોગલેકર, તબલા પર શુભાંકર બેનર્જી એ સાથ આપી શ્વરમાં પ્રાણ પુરાવ્યો તો ઉસ્તાદના શિષ્ય ઓમ બાંગણેએ શ્વરમાં સાથ આપ્યો. જયારે રાજકોટની પ્રતિભા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી માધ્યમના પ્રોફેસર ધ્વની વચ્છરાજાનીએ તાનપુરા પર સૂર પુરાવ્યો હતો. નિયો ફાઉન્ડેશનના દિપક રીંડાણી, હિરેન શોઢા, વિક્રમ સંઘાણી, પરાક્રમસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ કલાકારોનું બહુમાન કર્યું.  ત્યારે રાજકોટવાસીઓનો એક જ સૂર રહ્યો 'નીયો... તુમ જીયો'.(૩૭.૭)

:: આલેખન :: પ્રશાંત બક્ષી ૯૪૨૬૪૭૩૬૮૧

(3:50 pm IST)