રાજકોટ
News of Wednesday, 3rd January 2018

જોજો મચ્છરો ફરી ગણગણે નહી

રોગચાળા નિયંત્રણ માટે ફિલ્ડવર્ક કરોઃ મેલેરિયા વિભાગને ઇન્જેકશન મારતા મનીષ રાડિયા

કારખાના - હોસ્પિટલો - બાંધકામ સાઇટોમાં ચેકીંગ કરી દંડ વસુલાશેઃ દવા છંટકાવ સહિતની સઘન કામગીરી કરવા સૂચનાઃ અધિકારીઓ સાથે બેઠક યોજીઃ ચિકનગુનિયા - મેલેરિયાનો રોગચાળો માથુ ન ઉંચકે તે જોવા તાકિદ કરતા આરોગ્ય ચેરમેન

રાજકોટ તા. ૩ : શહેરમાં ગત સાલ ચિકુનગુનીયાના કેસોમાં વધારો નોંધાયેલ હતો. ચાલુ સાલે આ પરિસ્થિતી કાબુ રહે તે માટે આરોગ્ય સમિતી ચેરમેન મનિષભાઈ રાડીયા દ્વારા વર્ષના પ્રથમ દિવસે મેલેરિયા વિભાગના તમામ કર્મચારીઓ, મેલેરિયા ઇન્સ્પેકટર, સુપિરિયર ફિલ્ડવર્કરની તાકીદની મિટીંગ બોલાવવામાં આવેલ. જેમાં આરોગ્ય અધિકારી ડો મનિષ ચૂનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ ઉ૫સ્થિત રહેલ.

ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાઈ છે. ખાસ કરીને ઘરોમાં રહેલ સંગ્રહિત ચોખ્ખા પાણીમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરો ઇંડા મુકે છે. ગત વર્ષે ચિકનગુનિયા રોગ પ્રભાવી બનેલ હતો, આથી આરોગ્ય ચેરમેન મનિષભાઈ રાડીયાએ મેલેરિયા શાખાની તાકીદની મિટીંગ બોલાવી આગામી વર્ષે ચિકુનગુનિયા, ડેન્ગ્યુ રોગચાળાની ૫રિસ્થિતિ કાબુમાં રહે તે માટે સઘન કામગીરી કરવા તાકીદ કરી હતી.

જેમાં મેલેરિયા ઇન્સ્પેકટર તથા સુપિરીયર ફિલ્ડવર્કરને ફિલ્ડ કામગીરી સઘન બનાવવા તથા ફિલ્ડમાં સમયસર અચુક હાજર રહેવા જણાવેલ.   શાળા, કોલેજો તથા સ્માર્ટ સોસાયટીમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જેથી વિદ્યાર્થી / લોકોમાં સ્વયં જાગૃતિ આવે તથા લોકો પોતાની પ્રિમાઈસીસમાં મચ્છર ઉત્પતિ ન થાય તેની તકેદારી રાખે.વોર્ડમાં આવેલ તમામ શાળા, બાંધકામ સાઈટ, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રિઝ, સેલર વગેરેની મુલાકાત લઇ વાહક નિયંત્રણની કામગીરી કરવી આવા તમામ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ આપી દંડ લેવાની કામગીરી સઘન બનાવવી.  ખાસ કરીને શહેરમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડિંગનો સર્વે કરી હાઇરાઇઝ બિલ્ડિંગના પ્રમુખને મળી મચ્છર ઉત્૫તિ અટકાયતી અંગે જાગૃતી લાવવી તથા આ કામગીરી માટે નોડલ ઓફીસર બનાવવા. 

તમામ કર્મચારીઓને અનિવાર્ય સંજોગો સિવાય રજા ન આ૫વી અને પૂર્વ મંજૂરી વગર રજા ૫ર ન રહેવું.  વોર્ડવાઇઝ આવતી કોલસેન્ટર તથા અન્ય ફરીયાદોમાં કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવી. સુપિરિયર ફિલ્ડવર્કર, ફિલ્ડવર્કરે તમામે સમયસર ફિલ્ડ પર પહોંચી, ફિલ્ડમાં ઓળખપત્ર, દવાનો જથ્થો, ટેલીશીટ, પત્રિકા, જરૂરી સાધન સામ્રગી પૂરતા પ્રમાણમાં સાથે રાખવી. પોઝિટીવ કેસમાં ત્વરિત દવા છંટકાવ, ફોગીંગ સહિતના પગલા લેવા તથા લોકોને આરોગ્ય શિક્ષણ આ૫વું.

આ તકે આરોગ્ય ચેરમેન મનિષભાઈ રાડીયા દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવેલ છે કે, મચ્છર નાબુદી ઝુંબેશ દરમિયાન આરોગ્ય શાખાની કામગીરીમાં કર્મચારીઓને સહયોગ આપી નવા વર્ષમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ, રોગ કાબુમાં રહે તે માટે સહકાર આપે તે જરૂરી છે.

(3:27 pm IST)