હીરાસર એરપોર્ટ પાસે ખાણ ખનીજ વિભાગનો દરોડોઃ બેલા કાપી રહેલા શખ્સો ફરારઃ ૪ ચકરી, ટ્રક કબ્જે
રાજકોટ તા. ૩: રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક નવા બની રહેલા ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ પાસે ખનીજ ચોરી થતી હોવાની માહિતીને આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી બેલા કાપવાની ૪ ચકરી, ડીજીટલ મશીનરી અને ટ્રક સહિત કબ્જે કરી એરપોર્ટ પોલી સ્ટેશનમાં જમા કરાવી ત્યાં નોંધ કરાવી છે.ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી સંજય બારૈયા અને ટીમે હીરાસર એરપોર્ટ પાસે દરોડો પાડતાં બેલા કાપવા આવેલા શખ્સો ભાગી ગયા હતાં. આ ટીમને બેલા કટીંગ કરવાની ચકરડીઓ અને ટ્રક રેઢા મળતાં તે અંગેની નોંધ પોલીસને કરાવી છે. હાલ આ મામલે હજુ કોઇ એફઆઇઆર દાખલ થઇ નથી. સંબંધીત તંત્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તસ્વીરો બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.