રાજકોટ
News of Friday, 3rd December 2021

રિલીઝ પહેલા જ ફિલ્મ 'દિવાસ્વપ્ન' આંતરરાષ્ટ્રીય ફલક પર છવાઈ

ભાર વગરના ભણતરની સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે તે વિષય ઉપર સ્ટોરી : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બાવન એવોર્ડ અને ૩૫ નોમીનેશન મેળવી ઈતિહાસ રચ્યોઃ જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની બૂક પરથી ફિલ્મનું નામ રખાયુ

રાજકોટ,તા.૩: કે.ડી. ફિલ્મ પ્રાઈવેટ લિમિટેડના પ્રોડકશન હેઠળ બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ ''દિવાસ્વપ્ન''એ ફિલ્મ જગતમાં રિલીઝ પહેલાં જ પોતાનું નામ સુવર્ણ અક્ષરે પ્રસ્થાપિત કરી દીધું છે. આ ફિલ્મએ ગુજરાત અને દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં નામના મેળવી છે. આ અદ્દભુત ફિલ્મ એ રિલીઝ થતાં પહેલાં નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાના બાવન એવોર્ડ અને ૩૫ નોમીનેશન મેળવ્યા છે. ''દીવાસ્વપ્ન'' ફિલ્મએ અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, તુર્કી, સિંગાપુર, વેનેઝુએલા જેવા અનેક દેશો અને ભારતના અનેક રાજયોમાંથી ૫૨ એવોર્ડ અને ૩૫ નોમીનેશન મેળવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિશ્વ સ્તરે એક આગવી ઓળખ અપાવી છે.

આ ફિલ્મનું ટાઈટલ જાણીતા શિક્ષણવિદ શ્રી ગિજુભાઈ બધેકાની બુક ''દિવાસ્વપ્ન'' પરથી રાખવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરીમાં આજના સમયને અનુરૂપ અદ્દભુત મેસેજ છે, જેમાં ભાર વગરના ભણતરની સાથે સાથે એક શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે, કુદરતી ખેતીનું  આધુનિક સમયમાં શું મહત્વ છે તે આધુનિક સમયમાં મા- બાપના તેમના બાળકોના શિક્ષણ માટેના કયા પડકારો અને સમાધાન વગેરે જેવા વિષયોને ખુબ જ સારી રીતે વાર્તામાં વણી લેવામાં આવ્યા છે.

આ ફિલ્મના પ્રોડયુસર વી.આઈ.પી. એકેડમીના ડિરેકટર નરેશ પ્રજાપતિ છે કે જેઓ એક કવિ, લેખક, વિચારક અને મોટીવેશનલ સ્પીકર પણ છે. તેમનો આ ફિલ્મની સફળતા પાછળ સિંહ ફાળો છે. આ ફિલ્મના સદાબહાર ગીતો ઉપરાંત તેમણે એડીશનલ સ્ક્રીનપ્લે અને અદ્દભુત સંવાદો પણ લખ્યા છે.

ફિલ્મના ડિરેકટર સતીષ ડાવરા છે જેમણે લંડનથી ફિલ્મ મેકીંગ ટ્રેનીંગ લીધેલી છે. તેમની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મના ડી.ઓ.પી. તરીકે ગુજરાતનું એક આગવું નામ એટલે પ્રશાંત ગોહેલ છે. જયારે ઇપી કમ એડીટર તરીકેનું કનુ પ્રજાપતિએ કામ કરેલ છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોનું પણ એડીટીંગ કરેલ છે. ફિલ્મના ક્રિએટીવ હેડ તરીકે વિજય કે. પટેલે સેવા આપી છે. જયારે શાનદાર સ્ક્રીનપ્લે જયેશ પટેલ દ્વારા લખાયો છે. અંશુ જોષીએ ફિલ્મના સંવાદો લખ્યા છે. એડીશ્નલ સંવાદો આ ફિલ્મના પ્રોડયુસર નરેશ પ્રજાપતિ અને જાણીતા રાઇટર સંજય પ્રજાપતિ દ્વારા લખાયા છે.

મ્યુઝીક ડાયરેકટર તરીકે પાર્થ પીઠડીયાએ કહયું કે સંગીતકાર મૌલીક મહેતા અને જય મહેતાએ આ ફિલ્મના મનમોહક બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું છે. જીગરદાન ગઢવી, પાર્થ ઓઝા, હાર્દિક દવે અને અપરાજીતા સિંગ જેવા જાણીતા ગાયકોએ આ ફિલ્મના ગીતો ગાઇને અવાજનો જાદુ રેલાવ્યો છે.

જયારે મુખ્ય કલાકારોમાં જાણીતા એકટર ચેતન દૈયા, કલ્પના ગાગડેકર, પ્રવીણ ગુંદેચા, ગરીમા ભારદ્વાજ, રિતેશ મોભ, બિમલ ત્રિવેદી, રાજન ઠાકર, ભવ્ય મેજીએતર, અભિલાષ શાહ તેમજ દેવાંગ ભટ્ટે અને શિક્ષણ જગતમાં મોટુ નામ એવા અર્ચિત ભટ્ટે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ફિલ્મનું શુટીંગ મહેસાણાના એક ગામડામાં, અમદાવાદ અને ચાંગોદરમાં થયું છે. ૧૦ ડિસે. આ ફિલ્મ ગુજરાત અને મુંબઇમાં રીલીઝ થઇ રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:28 pm IST)