રાજકોટ
News of Friday, 3rd December 2021

કોરોના કેસ દેખાવા લાગતા તંત્ર ફરી દોડવા લાગ્યુ

રાજકોટમાં વેકસીનના બીજા ડોઝમાં હજુ ૧.૮૨ લાખ લોકો બાકી : મનપાએ વેકસીનેશન વધારવા સ્માર્ટ ફોનની લક્કી ડ્રો યોજના શરૂ કરી

કાલથી વેકસીનેશન માટે મેગા ડ્રાઇવ : શોપીંગ મોલ, હોસ્પિટલો, હોકર્સ ઝોન, માર્કેટ, બાંધકામ સાઇટ, પછાત વિસ્તારો, સોસાયટીઓમાં ૬૩ મેડિકલ ટીમો દોડાવાશે : સૌથી સારી કામગીરી કરનાર આરોગ્યની ટીમને ૨૧ હજારનું ઇનામ અપાશે : વેકસીનનો બીજો ડોઝ લેવા મેયર - સ્ટેન્ડીંગ ચેરમેન - આરોગ્ય ચેરમેન અને મ્યુ. કમિશનરની અપીલ

રાજકોટ તા. ૩ : કોરોનાના દર્દીઓ ફરી દેખાવા લાગતા મ.ન.પા.એ વેકસીનેશનની કામગીરી પૂરઝડપે હાથ ધરવા નિર્ણય લઇ અને વેકસીનના બીજા ડોઝમાં બાકી રહી ગયેલા ૧.૮૨ લાખ લોકોને બીજો ડોઝ આપવા માટે કાલથી મેગા ડ્રાઇવ ઉપરાંત વેકસીનનો બીજો ડોઝ લેનાર વ્યકિતઓ વચ્ચે ૫૦ હજારના સ્માર્ટ ફોનનો લક્કી ડ્રો યોજવા નિર્ણય લેવાયો છે.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેશનને પ્રોત્સાહન મળે તે માટે કાલે તા. ૪ સવારે ૯ વાગ્યા થી તા. ૧૦ સાંજના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેરના જે નગરજનો વેકસીનનો બીજો ડોઝ લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫૦,૦૦૦ સુધીના સ્માર્ટફોન મોબાઈલ લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેકસીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. ૨૧,૦૦૦નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ સંયુકત યાદીમાં જણાવેલ છે.

તેઓએ વધુમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાનો ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોના વેકસીનથી વંચિત ન રહે અને વધારેને વધારે લોકો જાગૃત બને અને વેકિસનના પ્રથમ અને બીજા ડોઝ ઝડપથી લઇ લ્યે આથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય, તમામ નગરજનોને વેકસીન લેવા માટે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, મ્યુનિ. કમિશનર અને આરોગ્ય સમિતિના ચેરમેન તરફથી અપીલ કરવામાં આવે છે.

આવતીકાલે તા. ૪ અને તા. ૫ના રોજ કોરોના વેકસીનેશન મેગા ડ્રાઇવ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૪૧ અને તા. ૫ના રોજ બે દિવસ કોરોના વેકસીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના ૨૨ આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે ૯ વાગ્યાથી સાંજના ૯ વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ESIS હોસ્પિટલ ખાતે સવારે ૯ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના ૨ વાગ્યાથી સાંજના ૯ વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, કન્સ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ૬૩ મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેકસીનેશનની કામગીરી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન શહેરના વધુને વધુ નાગરિકોને વેકસીનેશનનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. (૨૧.૪૯)

૪૨ હજાર લોકોને ઘરે - ઘરે જઇને વેકસીનેશન કરાયુ

'હર ઘર દસ્તક' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૯-૧૧-૨૦૨૧ થી તા. ૩-૧૨-૨૦૨૧ સુધીમાં ૨૯૮૦૪૨ ઘરના ૫૪૪૩ પ્રથમ ડોઝ અને ૩૬૭૫૬ લોકોને બીજો ડોઝ ઘર આંગણે જઈને કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી છે. 'હર ઘર દસ્તક'ની કામગીરી હાલ ચાલુ છે.

(3:33 pm IST)