રાજકોટ
News of Friday, 3rd December 2021

કોવિડ-૧૯થી અવસાન થયેલ મનપાના કર્મચારીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વળતર ચૂકવવાનું શરૂ

અધિકારી - કર્મચારીઓના વારસદારોને ૨૫ લાખની સહાય : ૧૨ કર્મચારીઓનું કોવિડ-૧૯માં અવસાન થયું

રાજકોટ તા. ૩ : કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઇન વર્કર તરીકે ફરજ બજાવતા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી - કર્મચારીઓ પૈકી કોવિડ-૧૯ અંતર્ગત અવસાનના કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વળતર ચુકવવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું.

આ અંગે મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાની સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજય સરકાર દ્વારા રાજયમાં કોરોનામાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓનું અવસાન પામે તેવા કર્મચારીના વારસદારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૨૫ લાખ વળતર ચૂકવવાનું નિર્ણય કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના મોટાભાગના અધિકારી/કર્મચારીઓએ દિવસ-રાત જોયા વગર અને પોતાના આરોગ્યની કે પરીવારની પરવા કર્યા વગર ફ્રન્ટલાઈન વર્કર તરીકે કપરી ફરજ બજાવેલ છે. આ ફરજ દરમ્યાન મહાનગરપાલિકાના આશરે ૧૨ જેટલા અધિકારી/કર્મચારીઓ કોવીડ-૧૯ના કારણે અવસાન પામેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ પૈકી સ્ટેનોગ્રાફર નીલેશભાઈ દવે, જુનિયર કલાર્ક સિધ્ધરાજસિંહ પરમાર, સફાઈ કામદાર દેવુબેન ચૌહાણ, કમલેશભાઈ પરમાર, તુલસીભાઈ ચૌહાણ, ચંપાબેન વાઘેલા, કાન્તાબેન વોરા, વિજયાબેન બાબરીયા, કમલેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ વાઘેલા તથા કાળુભાઈ નારોલાને રાજય સરકારની નીતિ અનુસાર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.૨૫ લાખ વળતર ચૂકવવાનું થાય આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારશ્રીને જરૂરી વિગતો સહ દરખાસ્ત કરવામાં આવેલ. આ દરખાસ્તના અનુસંધાને રાજય સરકારશ્રી દ્વારા તે પરત્વે વળતર ચૂકવવાનું મંજુર કરી ઘટિત હુકમ કરવામાં આવેલ છે અને મૃતક અધિકારી/કર્મચારીના વારસદારોના બેંક એકાઉન્ટમાં ઈ.સી.એસ.થી આ રકમ જમા થવાનું શરૂ થઇ ગયેલ છે. તેમજ જે અધિકારી/કર્મચારીઓના વારસદારોના ખાતામાં રકમ જમા થયેલ નથી તેમના ખાતામાં ટૂંક સમયમાં રકમ જમા થઇ જશે.

(3:33 pm IST)