રાજકોટ
News of Friday, 3rd December 2021

રીક્ષાગેંગનું વધુ એક કારસ્તાન : રીક્ષામાં બેઠેલા બંગાળી યુવાનના ૧૫ હજાર કાઢી લીધા

ઉલ્ટી ઉબકા થાય છે કહી રાકેશને વચ્ચે બેસાડી બે શખ્સોએ ૧૫ હજાર સેરવી રીક્ષામાંથી ઉતારી દીધો :બે સકંજામાં

રાજકોટ,તા.  ૩: સંતકબીર રોડ પર જલગંગા ચોક પાસે રીક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા યુવાનને 'ઉલ્ટી ઉબકા થાય છેે' કહી વચ્ચે બેસાડી બે શખ્સોએ રૂ. ૧૫ હજાર સેરવી લેતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પશ્ચિમ બંગાળના આલાગર ગામ હાલ સંતકબીર રોડ આર્યનગર શેરી નં. ૧માં ભાડે રહેતા રાકેશ જમાતભાઇ શેખ (ઉવ. ૨૪) ગત તા. ૨૩ના રોજ ઘરેથી નીકળી બેંકમાં રૂ. ૧૫,૦૦૦ જમા કરાવવા માટે નીકળ્યો હતો અને રીક્ષાની રાહ જોતો હતો. તેવામાં એક રીક્ષા પોતાની પાસે ઉભી રહી અને ચાલકે 'કયાં જવું છે' તેમ જણાવતા પોતે રામનાથ પરા પાસે જવાનું છે. કહી રીક્ષામાં બેસી ગયો હતો. રીક્ષામાં પાછળ અગાઉથી બે શખ્સો બેઠા હતા. તેમાં એક શખ્સને ઉલ્ટી ઉબકા થતા પોતાને વચ્ચે બેસાડ્યો હતો. સંતકબીર રોઢ જલગંગા ચોરથી રીક્ષ થોડે આગળ કબીર કોમ્પ્લેક્ષ પાસે પહોંચતા તે શખ્સે ચાલકને કહેલ મારી તબીત નથી બરાબર મારે હોસ્પિટલે જવું છે.' તેમ કહેતા ચાલકે રીક્ષા ઉભી રાખી દીધી હતી. અને રાકેશને કહેલ કે 'આ ભાઇને હોસ્પિટલે જવું છે' કહી રીક્ષામાંથી ઉતારી રીક્ષા ચાલક જતો રહ્યો હતોે રીક્ષામાંથી ઉતાર્યા બાદ પોતાને શંકા જતા પોતાના ખીસ્સા ચેક કરતા ખીસ્સામાંથી રૂ. ૧૫ હજાર ગાયબ હતા. બાદ આ બનાવની જાણ પોતાનાભાઇ વસીમશેખને કરતા બંને એ પોતાની જાતે રીક્ષાની તપાસ કરી હતી પરંતુ કોઇ પતો ન લાગતા રાકેશે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પીએસ.આઇ એચ.એમ.જાડેજા સહિતે બે શખ્સોને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(3:31 pm IST)