રાજકોટ
News of Friday, 3rd December 2021

મામાના ૭૫ લાખ ખાઇ જનારા ભાણેજ ગોૈરવને એસઓજીએ પકડ્યોઃ રિમાન્ડની તજવીજ

જાગનાથ પ્લોટના એસ્ટેટ બ્રોકર હિમતલાલ અનડકટની ફરિયાદ પરથી ભાણેજ ગોૈરવ પૂજારા સામે ગુનો નોંધી કાર્યવાહીઃ રકમ આપી દીધાનું ભાણેજનું રટણ

રાજકોટ તા. ૩: જાગનાથ પ્લોટ શેરી નં. ૨ હંસા એપાર્ટમેન્ટ ફલટ નં. ૩૦૧માં રહેતાં એસ્ટેટ બ્રોકર હિમતલાલ ગોવિંદજી અનડકટ (ઉ.વ.૬૩)એ તેના સગા ભાણેજ કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સી-૧૧૦૪ પેન્ટાગોન ટાવરમાં રહેતાં ગોૈરવ અતુલભાઇ પૂજારાને મદદ કરવા રૂ. ૩૫ લાખ રોકડા અને રૂ. ૪૦ લાખના ૮૦૦ ગ્રામ દાગીના આપ્યા હતાં. આ મત્તા પરત આપી દેશે તે માટે ભાણેજે સ્ટેમ્પ પેપર પર બાહેંધરી પત્ર લખી આપ્યો હતો. પરંતુ મુદ્દત વીતી ગઇ હોવા છતાં ભાણેજ આ મત્તા પરત આપતો ન હોઇ ડીસીબી પોલીસ મથકમાં મામાએ ફરિયાદ નોંધાવતાં એસઓજીની ટીમે તપાસ હાથ ધરી ભાણેજ ગોૈરવની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ફરિયાદમાં મામા હિમતલાલ અનડકટે આરોપ મુકયો છે કે મારો દિકરો અને દિકરી બંને ઓસ્ટ્રેલિયા રહે છે. હું મારા પત્નિ જયશ્રીબેન સાથે અગાઉ આશાપુરા રોડ પર રહેતો હતો. અમે પાંચ ભાઇઓ અને ત્રણ બહેનો છીએ. માતા પ્રભાબેન મારી સાથે રહેતાં હોઇ જેથી તેમની મિલ્કતો દાગીના સોનાની બંગડી, હાર, વીંટી, કડા, બુટી સહિત મને સાચવવા આપ્યા હતાં. ૨૦૧૯માં મારા બહેન અમિતાબેનના દિકરા ગોૈરત પૂજારાને ધંધામાં નુકસાની ગઇ હોઇ અને ચેક રિટર્નની ફરિયાદ થઇ હોઇ તેમજ તેના વિરૂધ્ધ વોરન્ટ નીકળ્યું હોઇ જેથી મેં તેના પર વિશ્વાસ રાખી તેને મદદ કરી હતી.

ભાણેજ ગોૈરવને મારા માતાના ઘરેણા રૂ. ૪૦ લાખના તેમજ રૂ. ૩૫ લાખ રોકડા મળી કુલ રૂ. ૭૫ લાખની મદદ મેં કરી હતી. તેણે છ મહિનામાં આ રકમ-દાગીના પાછા આપી દેશે તેવી બાહેંધરી આપી હતી અને લખાણ કરી આપ્યું હતું. પરંતુ સમય વિતવા છતાં અને વારંવાર ઉઘરાણી કરવા છતાં તે દાગીના-રકમ આપતો ન હોઇ મેં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા પણ તે ધમકી આપતો હોઇ અંતે વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ કરી છે.

ફરિયાદને આધારે સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ ટી. બી. પંડ્યા, એએઅસાઇ ભાનુભાઇ સી. મિયાત્રાએ તપાસ હાથ ધરી ગોૈરવ પૂજારાની ધરપકડ કરી છે. પ્રાથમિક પુછતાછમાં તેણે મોટા ભાગની રકમ સિંગાપોર ગયો ત્યારે વપરાઇ ગયાનું રટણ કર્યુ હતું. તો બાદમાં એવું પણ કહ્યું હતું કે આ રકમ પરત આપી દીધી છે અને દાગીના લીધા જ નથી. સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(2:48 pm IST)