રાજકોટ
News of Friday, 3rd December 2021

રાજકોટને હાઈકોર્ટ બેચ આપો,સંસદમાં મુદ્દો ઉઠાવતા મોહનભાઈ

હાલ હાઈકોર્ટમાં કુલ કેસ પૈકી ૪૫ ટકા જેટલા માત્ર સૌરાષ્ટ્રના

રાજકોટ, તા. ૩ :. સૌરાષ્ટ્રની લાંબા સમયની માંગણી મુજબ ગુજરાત હાઈકોર્ટની બેચ સૌરાષ્ટ્રમાં આપવા માટે રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાએ લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો છે. તેમનો પ્રશ્ન રેકોર્ડ પર આવી ગયો છે. સંસદના ચાલુ સત્રમાં કાયદા મંત્રી તેનો પ્રત્યુત્તર આપે તેવી શકયતા છે.

મોહનભાઈએ પ્રશ્નની રજૂઆત સાથે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રની વસ્તી અઢી કરોડ જેટલી છે. સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ બેચ ન હોવાના કારણે અદાલતી હેતુથી હાઈકોર્ટ અમદાવાદ સુધી જવુ પડે છે. હાલ હાઈકોર્ટના કુલ કેસ પૈકી ૪૫ ટકા જેટલા કેસ એકલા સૌરાષ્ટ્રના હોય છે. પક્ષકારોને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી હાઈકોર્ટમાં જવા ૬ થી ૮ કલાકનો સમય લાગે છે. હાલ રાજ્યમાં હાઈકોર્ટની એકેય ડિવીઝન બેચ નથી. રાજકોટમાં હાઈકોર્ટ બેચ આપવામાં આવે તો મોરબી, જૂનાગઢ, જામનગર, અમરેલી વગેરે જિલ્લાને અમદાવાદ કરતા નજીક પડે. લોકોને ન્યાય પણ ઝડપથી મળી શકે. રાજકોટને હાઈકોર્ટ બેચ આપવા સૌરાષ્ટ્રની જનતાની માંગણી છે.

(11:37 am IST)