રાજકોટ
News of Friday, 3rd December 2021

શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયાઃ હજુ એકાદ બે દિવસ આવો જ માહોલ જોવા મળશેઃ માવઠાની પણ સંભાવના

સીમલા-મનાલી જેવો માહોલઃ ફુંકાતો બર્ફીલો પવન રાજકોટ બન્યું 'હિલ સ્ટેશન'

રાજકોટ,તા.૨: સમગ્ર રાજયમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ તો એકાદ બે જગ્યાએ મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ હજુ એકાદ બે દિવસ આવું જ વાતાવરણ રહેશે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ બે દિવસથી ધાબળીયું વાતાવરણ જોવા મળે છે. આબુ, શિમલા જેવો માહોલ છે. બર્ફીલા પવન ફૂંકાવવાના લીધે ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા છે. શહેરીજનો ગરમવસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે.

સૂર્યનારાયણે દર્શન દીધા નથી. છવાયેલા વાદળો અને ફૂંકાતા ઠંડા પવનના લીધે દિવસના તાપમાનમાં પણ ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે. દરમિયાન ગઈકાલે બપોરના શહેરમાં કોઈ- કોઈ સ્થળોએ છાંટા પડયાનું જાણવા મળે છે. ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના લીધે શહેરીજનો ઠુઠવાયા છે. મોટા ભાગે લોકો ગરમવસ્ત્રોમાં જ જોવા મળે છે.

(3:32 pm IST)